અમદાવાદઃ રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ માટે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતગણતરીનો પ્રારંભ આજે સવારે આઠ વાગ્યાથી થયો છે. આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં આ પરિણામોને મતદાતાઓના મિજાજનો સંકેત માનવામાં આવી રહ્યો છે. 26 એપ્રિલ 2026એ પાંચ મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાયું હતું, જેમાં કુલ 9200 બેઠકો સામેલ હતી. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ 15 મહાનગરપાલિકાઓમાં 55.1 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે નગરપાલિકાઓમાં 65.53 ટકા, જિલ્લા પંચાયતોમાં 66.64 ટકા અને તાલુકા પંચાયતોમાં 67.26 ટકા મતદાન થયું હતું.
આ ચૂંટણીમાં 4.18 કરોડથી વધુ મતદાતાઓ મતાધિકાર માટે પાત્ર હતા. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ઉપરાંત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ઉમેદવારોના ભાગ્યનો આજે નિર્ણય થવાનો છે. ચૂંટણીની ટકાવારી જોતા લાગી રહ્યું છે કે શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો છે.
સુરત મહાનગરપાલિકાની 120 બેઠકોમાંથી ભાજપે 43 બેઠકો જીતી
સુરત મહાનગરપાલિકાની 120 બેઠકોમાંથી ભાજપે 43 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે એક બેઠક જીતી છે. AAP હજી સુધી શૂન્ય પર છે. સુરત વોર્ડ નંબર 3માં ભાજપની પેનલનો વિજય થયો છે. જેમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાનાં પત્ની કાવ્યા કથીરિયાની જીત થઈ છે. આ ઉપરાંત સુરતના માંડવી નગરપાલિકામાં ભાજપે કબજો કર્યો છે. માંડવી પાલિકાની મતગણતરીમાં ભાજપની જીત થઈ છે. 24 બેઠકોમાંથી 22 બેઠક સાથે ભાજપ આગળ છે. જયારે 2 બેઠક પર કોંગ્રેસ આગળ છે. માંડવીમાં આપ અને કોંગ્રેસનાં સૂપડા સાફ થયાં છે.
AAPમાંથી ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાએ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની બંને બેઠકો ગુમાવી હતી.
બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસની જીત, અમદાવાદમાં ભાજપનું પ્રભુત્વ
ભાજપે બાવળા તાલુકા પંચાયતની તમામ બેઠકો બિનહરીફ જીતી લીધી છે. અત્યાર સુધી ભાજપે કુલ છ બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને એક બેઠક મળી છે. ભાયલા, શિયા, ગગડ અને રોયકા બેઠક બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. જ્યારે કોંગ્રેસે કેસાર્ડી બેઠક જીતી છે. અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. પાર્ટીએ ઇસનપુર વોર્ડ નંબર 45 અને નવરંગપુરા વોર્ડમાં પણ જીત મેળવી છે.




