GalleryEvents UN મહામંત્રીએ તાજ હોટેલમાં 26/11 હુમલાના મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરી October 19, 2022 સંયુક્ત રાષ્ટ્ર (UN) સંસ્થાના મહામંત્રી એન્ટોનિઓ ગુટેરેસ ભારતની ત્રણ-દિવસની મુલાકાતે આવ્યા છે. 19 ઓક્ટોબર, બુધવારે મુંબઈમાં આગમન કર્યા બાદ તેઓ તાજ મહલ પેલેસ હોટેલ ખાતે ગયા હતા અને 2008ના આતંકવાદી હુમલાઓમાં ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હોટેલ ખાતે બનાવવામાં આવેલા સ્મારક ખાતે એમણે પુષ્પચક્ર અર્પણ કર્યું હતું. એ વખતે એમની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હતા. ગુટેરેસ યૂએન વડા તરીકે આ બીજી વાર ભારતની મુલાકાતે આવ્યા છે. ગુટેરેસ લંડનથી એક કમર્શિયલ ફ્લાઈટ દ્વારા મુંબઈ આવી પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓએ એમનું સ્વાગત કર્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે યૂએન મહામંત્રી ગુટેરેસનું સ્વાગત યૂએન ખાતે ભારતનાં કાયમી પ્રતિનિધિ રુચિરા કમ્બોજ, મહારાષ્ટ્રના મુખ્ય સચિવ એમ.કે. શ્રીવાસ્તવ, રાજ્યનાં પ્રોટોકોલ વિભાગનાં વડાં મનિષા મ્હૈસકર, મુંબઈના કલેક્ટર નિધિ ચૌધરી, શહેરના પોલીસ કમિશનર વિવેક ફણસલકરે કર્યું હતું.