કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં 96% મતદાન થયું, પરિણામ બુધવારે

137 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીના નવા પ્રમુખની ચૂંટણી કરવા માટે 17 ઓક્ટોબર, સોમવારે મતદાન યોજવામાં આવ્યું હતું. તે માટે દેશભરમાં તમામ પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ (PCC)નાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મતદાનની ટકાવારી ઘણી ઊંચી હતી. મતગણતરી અને પરિણામની જાહેરાત બુધવારે કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીમાં 24 વર્ષ બાદ ફરી વાર ગાંધી પરિવારની બહારના કોઈ નેતાને પક્ષપ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવશે. આ પદ માટે પક્ષના બે વરિષ્ઠ નેતા વચ્ચે હરીફાઈ છેઃ મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર. કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં આ માત્ર છઠ્ઠી જ વાર પ્રમુખપદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. પક્ષનાં કાર્યવાહક પ્રમુખ સોનિયા ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ નવી દિલ્હીમાં પક્ષના મુખ્યાલયમાં મતદાન કર્યું હતું જ્યારે રાહુલ ગાંધી હાલ ‘ભારત જોડો’ યાત્રામાં છે તેથી કર્ણાટકના બેલ્લારીમાં મતદાન કર્યું હતું. થરૂરે કેરળના તિરુવનંતપુરમમાં પક્ષના મુખ્યાલયમાં જ્યારે ખડગે કર્ણાટકના બેંગલુરુમાં પક્ષની કચેરીમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી ઓથોરિટી ચેરમેન મધુસુદન મિસ્ત્રીએ પત્રકારોને જણાવ્યું કે 96 ટકા મતદાન થયું છે. 9,900માંથી 9,500 જણે મતદાન કર્યું હતું.

સોનિયા ગાંધી અને એમનાં પુત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા

ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહે પણ નવી દિલ્હીમાં પક્ષના મુખ્યાલયમાં મતદાન કર્યું

રાહુલ ગાંધી

પ્રિયંકા ગાંધી

ઉમેદવાર શશી થરૂર

મતદાન કરવા પક્ષના અન્ય સભ્યોની સાથે લાઈનમાં ઉભા છે રાહુલ ગાંધી

બેંગલુરુમાં મતદાન

કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી ઓથોરિટી ચેરમેન મધુસુદન મિસ્ત્રી સાથે વાત કરતાં સોનિયા ગાંધી