અવકાશી અચરજઃ મુંબઈમાં પણ જોવા મળ્યું સૂર્યગ્રહણ

વર્ષ 2022નું આખરી ગ્રહણ આજે થઈ ગયું. તે ખંડગ્રાસ (આંશિક) સૂર્યગ્રહણ હતું જે સાંજે 4.29 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6.09 વાગ્યે સમાપ્ત થયું હતું. એ જ સમયે સૂર્યાસ્ત પણ થયો હતો. આ ગ્રહણ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં જોવા મળ્યું હતું. ગ્રહણ ભારતમાં દેખાયું હતું એટલે અનેક સ્થળે, ઘર-પરિવારોમાં ગ્રહણના સમયગાળા દરમિયાન હિન્દુ ધાર્મિક રીતરિવાજો અનુસાર એને લગતા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વીની પરિક્રમા કરતો ચંદ્રમા પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે. એ વખતે પૃથ્વી પર ચંદ્રનો પડછાયો પડે છે. પરિણામે સૂર્યનો સંપૂર્ણ પ્રકાશ પૃથ્વી પર પહોંચી શકતો નથી. આજે પણ સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય ઢંકાઈ જતાં અદ્દભુત અવકાશી દ્રશ્યો સર્જાયા હતા. એની કેટલીક સુંદર તસવીરોને ‘ચિત્રલેખા’ના ફોટોગ્રાફર દીપક ધુરીએ મુંબઈની પડોશના ભાયંદર ઉપનગરમાં એમના કેમેરામાં કેદ કરી લીધી હતી.