Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

દેશ અને દુનિયામાં આજકાલ સાયબર હુમલાની ચર્ચા છે. વાઇરસને નાથવા માટે દેશભરના ટેકનોક્રેટ કામે લાગી ગયાં છે અને વાઇરસથી બચવા શું કરશોની જાતભાતની સલાહો સોશિયલ મીડિયા પર ફરી રહી છે. ટેકનોલોજી દ્વારા માનવ પરના હુમલાને ખાળવા સૌ કોઈ કામે લાગી ગયાં છે અને કાયમી ઉકેલ માટે એન્ટી વાઇરસને મજબૂત બનાવી રહ્યાં છે. પરંતુ નિર્દોષ લોકો પર થતાં હુમલાના કાયમી ઉકેલ માટે કોઈ ગંભીર નથી. દેશમાં 24 એપ્રિલના રોજ છત્તીસગઢના સુકમામાં 25 સુરક્ષા જવાનો નકસલી હુમલામાં શહીદ થયાં. ઘટનાને ચોમેરથી વખોડવામાં આવી. રાજકીય પક્ષોએ અને સરકારે જવાબદારોને છોડીશું નહીંની જાહેરાતો કરી. લાખો રુપિયાના આર્થિક પેકેજ જાહેર થયાં. પરંતુ નકસલીઓ સામે લડવા માટેની રણનીતિ ઘડવા ગૃહપ્રધાન રાજનાથસિંહએ બોલાવેલી નક્સલ પ્રભાવિત રાજ્યોની બેઠકમાં ચાર રાજ્યોનાં મુખ્યપ્રધાનોએ હાજર જ ન રહ્યાં!.. આ છે આપણા રાજકારણીઓની પ્રતિબદ્ધતા.

સુરક્ષા જવાનોની શહીદીની સુકમાની ઘટના બાદ દેશના નક્સલ પ્રભાવિત 10 રાજ્યોના મુખ્યપ્રધાનોની બેઠક 8 મેના રોજ કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથસિંહે બોલાવી હતી. નકસલીઓ સામે ઠોસ કાર્યવાહી અને રણનીતિ ઘડવા માટે બેઠક બોલાવાઈ હતી. પરંતુ આ બેઠકમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા,મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાનો ગેરહાજર હતાં. ચાર રાજ્યોમાં પશ્ચિમબંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીને બાદ કરતાં મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને બાકીનાં બે રાજ્યો એનડીએનો ભાગ છે. એવું લાગે છે કે આ રાજ્યોના મુખ્યપ્રધાનોએ બેઠકને ગંભીરતાથી લીધી નથી અથવા તો ગૃહપ્રધાન રાજનાથસિંહને ગંભીરતાથી લીધાં નથી. હાજર રહેલા મુખ્યપ્રધાનોમાં છત્તીસગઢના રમણસિંહ, ઉત્તરપ્રદેશના યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડનવીસ, બિહારના નીતિશકુમાર, ઝારખંડના રઘુબરદાસ અને ઓડિશાના નવીન પટનાયકનો સમાવેશ થાય છે.

સૂત્રો અને જોડકણાં બનાવવામાં અગ્રેસર ભાજપના નેતાઓમાં હવે રાજનાથસિંહનો પણ ઉમેરો કરવો પડશે. બેઠકમાં નક્સલીઓ સામે લડવા માટેની ફોર્મુલા બનાવવામાં આવી તેનું નામ ‘સમાધાન’ રાખવામાં આવ્યુ  છે. આઠ સૂત્રીય ‘સમાધાન’ શબ્દ એ આઠ અંગ્રેજી અક્ષરોનો સમૂહ છે. ગૃહપ્રધાને વ્યૂહરચનાના ભાગરુપે નક્સલીઓ સામે લડવા માટે જે આઠ ઉપાયો બતાવ્યાં તેના પ્રથમ અક્ષરથી ‘સમાધાન’ શબ્દ ઉદભવ્યો છે.

નક્સલીઓ સામે લડવા માટેના આ ‘સમાધાન’માં છે શું…1) સ્માર્ટ લીડરશીપ, 2) એગ્રેસિવ સ્ટ્રેટેજી, 3)મોટિવેશન એન્ડ ટ્રેનિંગ,4)એક્શનેબલ ઇન્ટેલિજન્સ,5)ડૈશબોર્ડ બેસ્ટ પર્ફોમન્સ ઇન્ડિકેટરર્સ,6) હાર્નેસિંગ ટેકનોલોજી 7) એક્શન પ્લાન ફોર ઇચ થ્રેટ, 8)નો એક્સેસ ટુ ફાઇનાન્સિંગ . આ દસ સૂત્રને અપનાવવાનો અનુરોધ રાજ્ય સરકારોને કરવામાં આવ્યો છે.

સૂત્રની દ્રષ્ટિએ સરસ લાગતાં આ મુદ્દાઓનો જો અમલ કરવામાં આવે તો નક્સલીઓને ખતમ કરી શકાય. ભૂતકાળમાં પણ જુદા જુદા સ્વરુપે એક્શન પ્લાન બન્યાં છે પરંતુ પરિણામો મળ્યાં નથી. છેલ્લાં 20 વર્ષમાં 12000 લોકોને નક્સલીએ માર્યા છે,જેમાં 2700 જવાનોની શહીદીનો સમાવેશ થાય છે. આ આંકડો ખુદ ગૃહપ્રધાને બેઠકમાં આપ્યો છે.

સાત વર્ષ પહેલાં 6 એપ્રિલ 2010ના રોજ નક્સલીઓએ છત્તીસગઢના દંતેવાડામાં સીઆરપીએફની બટાલિયન પર હુમલો કર્યો હતો અને 76 જવાનો શહીદ થયા હતા. આ વખતની જેમ જ જવાનોને મારીને હથિયારો પણ લૂંટી ગયા હતા. તાજેતરમાં અપનાવાયેલી વ્યૂહરચના મુજબ 2010માં પણ નક્સલીઓએ સ્થાનિક ગ્રામજનોને ઢાલ બનાવીને હુમલો કર્યો હતો. સાત વર્ષ પહેલાની ઘટના પછી લેવાયેલા પગલાં અને આજની સ્થિતિમાં કંઇ ખાસ અંતર જોવા મળતું નથી. તત્કાલીન ગૃહપ્રધાને ઓપરેશન ગ્રીન હંટ શરુ કર્યુ હતું. અને તે સમયના વડાપ્રધાન મનમોહનસિંહે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના બેઠક બોલાવી હતી. હાલ થઈ રહી છે તેમ એ વખતે પણ નક્સલીઓ સામે આર્મીના ઉપયોગની ચર્ચાઓ ચાલી હતી. જોકે ઓપરેશન હંટને પગલે ઉત્તર અને પૂર્વ ભારતમાં નક્સલીઓને ભારે પીછેહઠ કરવી પડી હતી. એમાંય નક્સલીઓનો આગેવાન કોટેશ્વર રાવ ઉર્ફે કિશનને ઠાર મારવામાં સફળતા મળતાં નક્સલીઓની કમર તૂટી ગઈ હતી. જેને પગલે પશ્ચિમ બંગાળમાં નક્સલીઓ સાફ થઈ ગયાં હતાં.પરંતુ ઓપરેશન હંટ બાદ થોડો સમય શાંતિ રહી અને ફરી એજ સ્થિતિ સર્જાવાની શરુઆત થઈ.

આપણે ત્યાં હંમેશા અભિયાન શરુ કરાય ત્યાં સુધી બરોબર ચાલે, પરંતુ લાંબાગાળાનાં પગલાંના અભાવે સમસ્યાનો મૂળમાંથી ઉકેલ આવતો નથી. એક સમયે સેલવા ઝુડુમ જેવી વ્યવસ્થા બનાવવામાં આવી હતી. જેમાં ગ્રામજનોને સામેલ કરીને નક્સલીઓ સામે મુકાબલો કરવાની વાત હતી. એકંદરે સારી આ યોજનાની પણ કેટલીક મર્યાદાને કારણે યોજના બંધ કરી દેવાઈ.

હવે વરસોથી પરંપરાગત રીતે જે કામ ચાલે છે તેમાં ફેરબદલ કરવાનો સમય પાકી ગયો છે. નોટબંધીને કારણે નક્સલીઓનું નેટવર્ક વેરવિખેર થઈ જશે એ માન્યતા ખોટી પડી છે. આથી પહેલું કામ નક્સલીઓને મળતાં ફંડને રોકવું પડે. નક્સલી વિસ્તારોમાં વિકાસ કામોની સાથે થતાં વેપારને સલામત રીતે ચાલવા દેવા માટે કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગપતિઓ દ્વારા નક્સલીઓને અપાતી ખંડણી બંધ કરાવવી પડે. બીજું જંગલ વિસ્તારમાં હાથીદાંત, ચંદનના લાકડાં સહિત ખનીજ સંપત્તિના ચાલતા ગેરકાયદે કારોબારને રોકવા પડે. આ કામ નક્સલીઓ જ કરી રહ્યાં છે.

સાથે સાથે સુરક્ષા જવાનો માટે પણ અલગ રણનીતિ ઘડવી પડશે. વિકાસ કામો સમયે સુરક્ષાની સાથે નકસલીઓના ખાત્મા માટે ટ્રેનિંગ પણ આપવી પડે. અદ્યતન હથિયારો સાથે લડતાં નક્સલીઓ સામે લડવા માટે સુરક્ષા જવાનોને પણ સજ્જ કરવા પડે. સ્થાનિક લોકોમાં વિશ્વાસ જગાવીને નક્સલીઓને એકલાં પાડવાની વ્યૂહરચના પણ જરુરી છે. અને છેલ્લે નક્સલીઓ સામે લડવાનું કામ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે વહેંચવાને બદલે બંને સાથે મળીને કરે અને તે પણ રાજકીય પક્ષાપક્ષીથી દૂર રહીને, તો તેમાં ચોક્કસ સફળતા મળે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS