શું હરિયાણાની નાયબ સૈની સરકાર ખતરામાં છે?

નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્ય મંત્રી નાયબ સિંહ સૈનીની પાસે હાલમાં બહુમતનો આંકડો નથી. મંગળવારે ત્રણ નિર્દલીય વિધાનસભ્યોએ રાજ્યની ભાજપ સરકારને આપેલો ટેકો પરત ખેંચ્યો છે. એને કારણે પ્રદેશનું રાજકીય સમીકરણ બગડી ગયું છે. પ્રદેશની 90 વિધાનસભામાં ભાજપ બહુમતના આંકડાથી બે સીટ પાછળ છે.

જોકે તેમ છતાં નાયબ સિંહ સૈનીની સરકારને કોઈ જોખમ નથી. લોકસભા અને આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ભાજપે પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ખટ્ટરને દૂર કરીને સૈનીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા. આ નિર્ણય ભાજપે ત્યારે લીધો હતો, જ્યારે દુષ્યંત ચોટાલાની આગેવાનીમાં JJPએ સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો હતો. ચોટાલાની પાર્ટીના 10 વિધાનસભ્યો છે. જોકે ભાજપ અપક્ષોના જોરે સરકાર રચવામાં સફળ રહી હતી.

હરિયાણા વિધાનસભામાં કુલ 90 સીટ છે, જેમાં ભાજપની પાસે 40 વિધાનસભ્યો છે. JJPની પાસે 10, કોંગ્રેસની પાસે 30 છે, જ્યારે છ અપક્ષ વિધાનસભ્યો છે. હરિયાણા લોકહિત પાર્ટી અને ઇન્ડિયન નેશનલ લોક દળની પાસે 1-1 વિધાનસભ્યો છે. આ સિવાય હજી વિધાનસભાની બે સીટ ખાલી છે. આવામાં ભાજપને હાલની વિધાનસભાની 88 સીટો પર 45 વિધાનસભ્યોનો ટેકો જોઈએ છે.

આવામાં ભાજપને આશા છે કે JJPના બળવખોર વિધાનસભ્યો ટેકો આપશે. વિધાનસભામાં સૈનીએ વિશ્વાસનો મત હાંસલ નથી કર્યો, કેમ કે કોંગ્રેસ આ પહેલાંથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવી ચૂકી હતી અને 22 ફેબ્રુઆરીને આધારે આગામી છ મહિના સુધી એટલે કે 22 ઓગસ્ટ સુધી હરિયાણામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય એમ નથી. આવામાં હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ ઓક્ટોબરમાં પૂરો થઈ રહ્યો છે. આવામાં સરકાર વિધાનસભા ભંગ કરીને ચૂંટણીની ઘોષણા કરે એવી શક્યતા છે. આમ કોંગ્રેસ એની જ જાળમાં ફસાઈ ગઈ છે.