ગુજરાતી મહિલા કલાકારનું વારાણસીમાં પરફોર્મન્સ

અમદાવાદ: ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા રાજ્યના જાણીતા કલાકાર બીના મહેતાએ વારાણસીમાં ગત 27મી એપ્રિલથી 2જી મે દરમિયાન યોજાયેલા 101મા ‘સંકટમોચન સંગીત સમારોહ’માં ભાગ લીધો હતો. અહીં તેમણે પોતાની ચાર વિદ્યાર્થિનીઓ સાથે કુચીપુડી શાસ્ત્રીય નૃત્ય રજૂ કર્યુ હતું. આ કાર્યક્રમમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને યુવા પ્રતિભાઓ સહિત 150 થી વધુ શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલાં કલાકારોએ પર્ફોમન્સ રજૂ કર્યુ હતુ. જેમાં ગુજરાતમાંથી બીના મહેતાને આ સૌભાગ્ય મળ્યું હતું.આ કાર્યક્રમમાં બીના મહેતાએ એક સોલો પર્ફોમન્સ અને પોતાની ચાર વિદ્યાર્થિનીઓ પાયલ પરીખ, વિશ્રુતી પટેલ, અશિતા પટેલ અને અરૂણા ઝવેરી સાથે ગ્રુપ પર્ફોમન્સ પણ કર્યું હતું. બીના પરીખે અહીં સોલો ભામા કલ્પમ કુચીપુડી ક્લાસિકલ ડાન્સ રજૂ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીઓ સાથે પૂર્વરંગમ્ ક્લાસિકલ ડાન્સ રજૂ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ વિશે ચિત્રલેખા.કોમે બીના પરીખ સાથે વાત કરી. ત્યારે તેમણે જણાવ્યું કે, “મારી માટે તો આ ભગવાને પોતે ત્યાં પર્ફોમન્સ કરવા માટે બોલાવ્યા હોય તેવો અનુભવ રહ્યો છે. જે જગ્યાએ પ્રસ્તુતિ કરવાની હતી તે જગ્યાના વાઈબ્રેશન જ એટલા સારા હતા કે આ કાર્યક્રમ જીવનભરનું સંભારણું બની ગયો. જ્યારે આ પ્રસ્તુતિ રજૂ કરવા માટે મને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે હું ન્યૂઝીલેન્ડ ફરવા માટે ગઈ હતી. ત્યાં જાણ થતાં જ તરત પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. સાથે જ વિદ્યાર્થિનીઓ સાથે પણ પ્રસ્તુતિ રજૂ કરવાની હોવાથી ઓનલાઈન ક્લાસ શરૂ કરી દીધા હતા. પછી તો એવું થઈ ગયું કે ક્યારે પ્રવાસ પૂરો થાય અને ક્યારે ભારત પરત ફરીને વિદ્યાર્થિનીઓ સાથે પ્રેક્ટિસ શરૂ કરી દઉં.” ‘સંકટ મોચન સંગીત સમારોહ’એ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલ સંકટ મોચન હનુમાન મંદિર ખાતે છેલ્લાં 100 વર્ષથી યોજાતો વાર્ષિક સંગીત સમારોહ છે. જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય રજૂ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં પદ્મશ્રી અને પદ્મવિભૂષણ પંડિત હરિપ્રસાદ ચોરસિયા, ગ્રેમી એવોર્ડ વિજેતા પં. વિશ્વમોહન ભટ્ટ અને તબલા ઉસ્તાદ અકરમ ખાને શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. યુ. રાજેશ મેન્ડોલિન અને પંડિત શિવમણીએ ડ્રમ પર હાથ અજમાવ્યો હતો. સંગીત સમારોહમાં અનૂપ જલોટા અને કવિતા કૃષ્ણમૂર્તિ જેવાં પ્રસિદ્ધ ગાયક કલાકારોએ પણ પોતાની પ્રસ્તુતિ રજૂ કરી હતી.