સેમ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

લોકસભાની ચૂંટણી વચ્ચે વિવાદાસ્પદ નિવેદનોથી ઘેરાયેલા કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. સાથે જ કોંગ્રેસે પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. પાર્ટીના નેતા જયરામ રમેશે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, સેમ પિત્રોડાએ પોતાની મરજીથી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.

 

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ રંગભેદ દ્વારા ભારતના વિવિધ ભાગોમાં રહેતા લોકોની વિવાદાસ્પદ તુલના કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં પિત્રોડા પૂર્વ ભારતના લોકોની તુલના ચાઈનીઝ અને દક્ષિણ ભારતના લોકોની આફ્રિકન લોકો સાથે કરતા જોવા મળે છે. આ મામલે કોંગ્રેસ નિશાના પર છે. જો કે, પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે.