Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જ્યોતિષશાસ્ત્ર એટલે ગ્રહોની ભાષા. માનવજીવન અને આકાશી પ્રકાશપૂંજો વચ્ચેનો સંબંધ એટલે જ્યોતિષનું રહસ્યમય જ્ઞાન. જ્યોતિષશાસ્ત્ર દ્વારા પ્રકૃતિને આધીન જીવ કે અજીવના ભૂત અને ભવિષ્ય પર પ્રકાશ પાડી શકાય છે. મુહૂર્તશાસ્ત્ર પણ જ્યોતિષશાસ્ત્રની અગત્યની શાખા છે. જે તે સમયે બનતી ઘટનાનો સમય એના ભવિષ્ય માટે સૂચક હોય છે. સૂર્યમંડળમાં ગ્રહોની શુભ સ્થિતિ વખતે કરવામાં આવતું કાર્ય પોતાની અંદર એ શુભત્વ લઈને આગળ વધે છે અને કાર્ય સફળ બને છે. સર્વતોભદ્ર ચક્ર ગોચરના ગ્રહોનું ફળ અને શુભાશુભનું તત્કાળ જ્ઞાન કરાવે છે.

શાસ્ત્રના જાણકારોના મતે, સર્વતોભદ્ર ચક્રનો ઉદભવ અને પ્રયોગ રુદ્રયામલ તંત્ર પ્રણિત કહી શકાય. ત્યારબાદ ઋષિમુનિઓએ અને આચાર્યોએ પણ તેનો ઉલ્લેખ પોતાની રચનાઓમાં કર્યો છે. સર્વતોભદ્ર ચક્ર એ કુલ ૮૧ ખાના ધરાવતું, સર્વ નક્ષત્રો (૨૮), વાર, તિથિઓ અને રાશિઓને સમાવતું ત્રણે ભુવન પર પ્રકાશ પાડતું ચક્રમય સમચતુષ્ક આકૃતિ છે. સર્વતોભદ્ર ચક્રમાં ભાષાકીય સ્વર અને વ્યંજનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નવ ગ્રહો સૂર્ય મંડળમાં સદા ગતિમાન રહે છે, આ નવેય ગ્રહો જુદાજુદા નક્ષત્રોમાં જયારે ભ્રમણ કરે છે ત્યારે તેઓ પોતાની સન્મુખ, વામ અને દક્ષિણ ભાગે રહેલા જુદાજુદા નક્ષત્રો, વાર, તિથિઓ વગેરેનો વેધ કરે છે. જે તે વાર, તિથિ અને નક્ષત્ર વગેરે પર શુભ ગ્રહો દ્વારા થતા વેધનું ફળ શુભ અને અશુભ ગ્રહો દ્વારા થતા વેધનું ફળ અશુભ મળે છે. સૂર્ય, ચંદ્ર, રાહુ અને કેતુ ત્રણેય બાજુએ (વામ, સન્મુખ અને દક્ષિણ બાજુએ) વેધ કરે છે. જયારે અન્ય બાકી ગ્રહોના વેધ તેમની ગતિ પર નિર્ભર કરે છે.

સર્વતોભદ્ર ચક્ર દ્વારા શુભાશુભ દિનનું જ્ઞાન:

ધારો કે તમે એક મહત્વનું કાર્ય અમુક દિવસે નક્કી કરવા જઈ રહ્યાં છો, આ દિવસ શુભ છે કે અશુભ તેને જાણવા માટે સર્વતોભદ્ર ચક્ર મદદરૂપ થઇ શકે છે. શુભ ગ્રહો (ગુરુ, શુક્ર વગેરે) અને પાપ ગ્રહો (શનિ, મંગળ, રાહુ, કેતુ)ના વેધનું ફળ અનુક્રમે શુભ અને અશુભ મળે છે. જો શુભ ગ્રહ પોતાની સ્વરાશિ, મિત્ર રાશિ કે ઉચ્ચ રાશિમાં હોય તો તેનું શુભત્વ વધતા તેનાથી વેધ પામતા વાર અને તિથિના દિવસે શુભ કાર્ય કરવું ઉચિત ગણાશે.

જો શનિ અને મંગળ જેવા અશુભ ગ્રહો શત્રુ ક્ષેત્રી બને, નીચ રાશિઓમાં આવે ત્યારે તેમનું અશુભત્વ વધતાં તેમનાથી વેધાતાં વાર અને તિથિના દિવસે કાર્ય કરવાથી નિષ્ફળતા મળી શકે. આમ, તમે દિવસના શુભ અને અશુભ મુહુર્તનું જ્ઞાન સર્વતોભદ્ર ચક્ર દ્વારા સરળતાથી થઇ શકે છે.

સર્વતોભદ્ર ચક્ર દ્વારા શુભાશુભ દિશાનું જ્ઞાન:

સર્વતોભદ્ર ચક્ર એટલું તો વિશેષ છે કે તેમાં ચારેય દિશાઓના શુભત્વનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, સર્વતોભદ્ર ચક્રમાં સૂર્ય જે દિશામાં ભ્રમણ કરતો હોય તે દિશાને કાર્ય પ્રસ્થાન માટે અને શુભ કાર્યોની સર્વે બાબતો માટે ત્યાજ્ય ગણવી. જેમ કે, સૂર્ય જો વૃષભ, મિથુન કે કર્ક રાશિઓમાં ભ્રમણ કરતો હોય ત્યારે પૂર્વ દિશાનો અસ્ત થયો ગણાય. શાસ્ત્રકારોના મતે આ સમય દરમિયાન પૂર્વદિશા તરફ પ્રયાણ કરવું અશુભ સાબિત થાય છે. આમ, ત્રણ-ત્રણ મહિના સૂર્ય દ્વારા દિશાઓનો ક્રમિક અસ્ત થાય છે, ડર ત્રણ મહિને અશુભ દિશા બદલાય છે.

સર્વતોભદ્ર ચક્ર દ્વારા જાતકને મળતા શુભ અને અશુભ ફળોનું જ્ઞાન:

કોઈ જાતકના ભાગ્ય પર ગોચરના ગ્રહો કેવી અસર કરશે તેનો પણ સૂક્ષ્મ ખ્યાલ સર્વતોભદ્ર ચક્રની મદદથી મળી શકે છે,

જાતકના જન્મ રાશિ, જન્મ તિથિ, જન્મ નક્ષત્ર, પ્રસિદ્ધ નામનો પ્રથમ અક્ષર અને સ્વર સર્વતોભદ્ર ચક્રમાં અંકિત કરી લેવા. આ પાંચ બિંદુઓ પર ગ્રહોના વેધ જાણી લેવા.

આ પાંચેય બિંદુઓ પર ફક્ત શુભ ગ્રહોના વેધ જાતકને કાર્ય સફળતા અને શુભ સમયની પ્રાપ્તિ કરાવે છે. અશુભ ગ્રહોના વેધ જેટલા વધુ હોય તેટલા પ્રમાણમાં અશુભ ફળ પણ વધુ હોય છે. જો પાંચેય બિંદુઓને માત્ર અશુભ ગ્રહો જ વેધ કરતા હોય તો માણસે ઘરની બહાર નીકળવું જોઈએ નહિ અન્યથા મૃત્યુતુલ્ય કષ્ટ આવી પડે છે.

સર્વતોભદ્ર ચક્ર દ્વારા તેજીમંદીનું જ્ઞાન:

સર્વતોભદ્ર ચક્ર દ્વારા આવનારા સમયનું જ્ઞાન કરી લેવું પ્રાચીન કાળથી ચાલ્યું આવે છે. જૈન શાસ્ત્રકારો તથા વૈદિક જ્યોતિષની મહત્વની રચનાઓમાં પણ તેનો ઉલ્લેખ છે. દરેક નક્ષત્ર અને રાશિ અમુક જણસ પર અસર કરે છે. બીજા અર્થમાં પૃથ્વી પરની જણસો નક્ષત્રો તથા રાશિઓના આધિપત્યમાં આવે છે. જેમ કે, ઘઉં, ચોખા જેવા ધાન્ય વિશાખા નક્ષત્રના આધિપત્ય હેઠળ આવે છે. વિશાખા નક્ષત્ર જો શનિ અને મંગળ જેવા પાપ ગ્રહોથી વેધ પામતું હોય તો ધાન્યના ભાવોમાં તેજી આવે છે. જયારે વિશાખા નક્ષત્ર ગુરુ અને શુક્ર જેવા સૌમ્ય અને બળવાન ગ્રહોથી વેધ પામતું હોય અને અન્ય કોઈપણ અશુભ ગ્રહ તેને વેધ ના કરતો હોય તો ધાન્યના ભાવોમાં મંદી આવે છે, ધાન્યના ભાવો ઘટે છે.

આમ, સર્વતોભદ્ર ચક્ર દ્વારા ગોચરના ગ્રહોનું શુભ-અશુભ ફળ જાણી શકાય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS