Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર-મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની ઉચ્ચસ્તરીય બેઠકમાં આજે ગાંધીનગરમાં સમીક્ષા કરી હતી. રાજ્યના જે ૧૧ તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તેવા ચોટિલા ૪પ૦ મિ.મી. ટંકારા ૩૪૦ મિ.મી. રાજકોટ ર૩૮ મિ.મી. કપરાડા ર૬૦ મિ.મી. વગેરેમાં પાણીની સ્થિતિ અને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતરની તલસ્પર્શી વિગતો મેળવી હતી.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યસચિવ, રાહત નિયામક તથા હવામાન વિભાગ, એન.ડી.આર.એફ.ના સહિતના જિલ્લાતંત્રોના અધિકારીઓએ ઉપસ્થિત રહી મુખ્યપ્રધાનને સ્થિતિથી વાકેફ કર્યા હતા. કલેકટર, પંચાયત, પોલીસ સહિતના તંત્રવાહકોને વધુ સર્તક રહેવા તાકીદ કરવામાં આવી હતી.

હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણીને પગલે છેલ્લાં બે દિવસથી મુખ્ય સચિવ અને મહેસૂલ અગ્રસચિવ દ્વારા જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને એલર્ટનેસની સતત સમીક્ષા-સૂચનાઓ આપવામાં આવતી હતી એન.ડી.આર.એફ. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રના પણ સંપર્કમાં રહીને માર્ગદર્શન અપાતું રહ્યું હોઇ આ કુદરતી આફતનું મોટું નુકશાન નિવારી શકાયું છે.

બેઠકમાં સમગ્ર રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણીને પગલે તંત્રને સંપૂર્ણ સજ્જ રહેવા પણ માર્ગદર્શન આપ્યું હતું.

એન.ડી.આર.એફ.ની ટીમ ચોટિલા, ટંકારા, વલસાડ, સૂરત અને પાલનપુરમાં છે તેને પણ જરૂર જણાયે તંત્રની મદદ-સહાયમાં પહોંચી જવા સુસજ્જ રાખવામાં આવી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS