પ્રાણાયામના ચાર પ્રકાર કયા?

तम्मिन् सति श्र्वासयोर्गतिविच्छेद : प्राणायम : ।।

આસનો કર્યા પછી શ્વાસોપ્રશ્વાસની ગતિનો વિચ્છેદ ભંગ કરવો તેનું નામ પ્રાણાયામ

ઘણા મહિનાઓની મહેનત પછી, વગર કોઈ તકલીફે આરામદાયક સ્થિતિમાં રોકાઇને આસન કરી શકો ત્યારે શરીરના અંગો અને શરીરની અંદરના અવયવો પર કામ થઈ શકે. કોઇપણ આસનમાં સુખરૂપ, સ્થિરત્વતા  જાળવવી એને જ મન પરનો વિજય કહેવાય. આ જ રીતે મનોબળ મજબૂત થઈ શકે. અને મનોબળ મજબૂત થઈ જાય એટલે જીવનમાં આવતા કોઈપણ અઘરા સમયમાં સમતોલપણું રાખી સમય પસાર કરી શકાય. યોગસૂત્રમાં આસન પછી પ્રાણાયામનો ઉલ્લેખ થયો છે.

પ્રાણાયામ એટલે જીવન શક્તિનો સંયમ. જોકે પ્રાણ શબ્દનો અર્થ શ્વાસ કરવામાં આવે છે, તે સાચો નથી. પ્રાણ એટલે જગતમાં વ્યાપી રહેલી તમામ શક્તિઓનો સરવાળો. એ શક્તિ પ્રાણીમાત્રમાં રહેલી છે. અને તેનું સૌથી સ્થુળ સ્વરૂપ જ ફેફસાની ગતિ રૂપે જોવામાં આવે છે. પ્રાણની જ શક્તિથી એ ગતિની ઉત્પત્તિ થાય છે. અને તેનો જ આપણે વિજય કરવાનો છે. જો એ પ્રાણને કાબુમાં રાખવો હોય તો પ્રથમ આપણે શ્વાસપ્રશ્વાસનો સંયમ કરતા શીખવું જોઈએ.

યોગશાસ્ત્રમાં કહ્યું છે કે પ્રાણાયામ ચાર પ્રકારના હોય છે.

(૧) જેમાં શ્વાસને અંદર ખેંચો આવે છે.

(૨) જેમાં શ્વાસને બહાર કાઢવામાં આવે છે.

(૩) જેમાં શ્વાસને ફેફસાની અંદર કે બહાર રોકવામાં આવે છે.

(૪) પ્રાણને બહાર અથવા અંદર ધારણ કરવાનો છે.

દેશ અને કાળ ઋતુ પ્રમાણે નાના પ્રમાણમાં ફેરફાર કરતા હોય છે. એટલે પૂરક, રેચક, કુંભક વગેરે ક્રિયાઓમાં કેટલો વખત ગાળવો જોઈએ તેનો નિર્ણય કરવામાં આવે છે. “ઉદ્દાઘાત”  અથવા કુંડલીનીને  જાગૃત કરવી એ પ્રાણાયામનું ફળ છે.

तत: क्षीयते प्रकाशावरणम् ।।

એટલે એ કુંભક સિદ્ધ થવાથી બુદ્ધિનો પ્રકાશ પર જે આવરણ બંધાયેલુ હોય તે ક્ષીણ થાય છે.

બુદ્ધિમાં સ્વભાવથી જ જ્ઞાન રહેલું હોય છે. કેમ કે તેની ઉત્પત્તિ જ સત્વગુણમાંથી થયેલી છે. તેના પર રજસ્ અને તમસ્ નું એક પ્રકારનું જે આવરણ આવી ગયેલુ હોય છે. તેને પ્રાણાયામ દ્વારા ક્ષય કરી શકાય છે. આવરણ ખસી જવાથી ચિત્તમાં એકાગ્રતા કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. હવે સવાલ એ થાય છે કે ક્યાંથી શરૂ કરવું. જે લોકો માત્ર શરીર માટે પ્રાણાયામ કરે છે તે દરેક પ્રાણાયામમાં મને શું લાભ થશે તે વિચારશે. જે લોકો શરીર અને મન માટે પ્રાણાયામ કરે છે એ વૈજ્ઞાનિક કારણો જાણવાનો પ્રયત્ન કરશે. અને જે લોકો એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રાણાયામ કરવા માંગે છે એ જુદા જુદા પ્રાણાયામ કરવાની બદલે એક કે બે પ્રાણાયામનો જ સતત અભ્યાસ કરશે.

હવે કોણે કયા પ્રાણાયામ કરવા એ આ વાંચીને તમે પોતે નક્કી કરો, અને એકવાર યોગ નિષ્ણાંત પાસે સમજીને તમારો અભ્યાસ શરૂ કરી શકો.

(૧) જો ખૂબ વિચારો આવ્યા જ કરતા હોય, વિચારોના વંટોળમાં ઘેરાઈ ગયા હોવ, ત્યારે બંને એટલો શ્વાસ વધારે બહાર કાઢવો, પછી ઊંડો શ્વાસ ભરવો એટલે રેચક વધારે કરવું અને પછી પૂરક કરવુ શ્વાસ રોકવો નહીં.

(૨) જે લોકોને ઉંઘ બહુ જ આવતી હોય, રાત્રે ઊંઘે અને દિવસ દરમિયાન પણ વધારે ઊંઘ આવતી હોય, આળસ, કંટાળો આવ્યા કરતો હોય તો, ડાબી નાસિકા બંધ કરી જમણી નાસિકા થી શ્વાસ લેવો, અને જમણી નાસિકા થી જ શ્વાસ બહાર કાઢવો બે રીતે થાય ધીમો અને લાંબો શ્વાસ પણ લઈ શકાય અથવા ટૂંકા શ્વાસ લેવાના ટૂંકા શ્વાસ કાઢવા ના ઉપાય જે માતા-પિતા અને બાળકોને ઉંઘમાંથી ઉઠાડવાની  તકલીફ પડતી હોય તેમણે બાળકને ડાબા પડખે સુવાડી દેવું, ઊંઘમાં જ તમે ડાબુ પડખું ફેરવી દો, થોડી ક્ષણોમાં તેની ઊંઘ ઓછી થઈ જશે, અને ઊઠવાનું મન થશે. આ ચમત્કાર પહેલા જ દિવસે નહીં થાય!!! પણ નિયમિત રૂપે આ કરવાથી સૂર્ય નાડી એક્ટિવ થશે અને શરીરમાં સ્ફૂર્તિ આવશે.

 

(૩) અત્યારના સમયમાં એટલે કે કોરોના કાળમાં ફેફસાને મજબૂત કરવા માટે. ફેફસા માંથી વાયરસને દુર કરવા એકાંત વાળી જગ્યામાં બેસી નાસિકાથી શ્વાસ લઇ મોઢેથી (forcefully) જોર કરીને શ્વાસ બહાર કાઢવો. દસ વાર કરવુ. થાક લાગશે, તો ઊંધા સુઇને આરામ કરો, પછી ટૂંકો શ્વાસ લઇ ટૂંકો શ્વાસ બહાર કાઢવો, ભ્રસ્તિકા પ્રાણાયામ પરંતુ હાથ કે શરીરની કોઇ હલનચલન નહીં થાય એ રીતે શ્વાસની આવન-જાવન કરવાની રહેશે. શ્વાસ બહાર નીકળે ત્યારે પેટ અંદર જવું જોઈએ, એટલે એની અસર આંતરડા પર અને ફેફસા પર બંને પર થશે. પછી જમણા પડખે પંદર મિનીટ સુધી રહો અને મન શાંત કેવી રીતે કરવું તે તમે ગયા અંકમાં વાચ્યું હશે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)