કોરોના પર કેન્દ્રનો કન્ટ્રોલ નથીઃ રાહુલના પ્રહાર

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ઝાટકણી કાઢતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે કહ્યું કે કેન્દ્ર સરકાર ન તો કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવા પર કોઈ અંકુશ મેળવી શકી છે કે ન તો ખેડૂતો અને મજૂરોની સમસ્યા પર ધ્યાન આપી શકી છે. રાહુલે ટ્વિટરના માધ્યમથી કેન્દ્ર સરકાર પર હિન્દીમાં ટ્વીટ દ્વારા પ્રહારો કરતાં કહ્યું છે કે, ‘નથી કોરોના પર અંકુશ, નથી રસીનો પર્યાપ્ત પુરવઠો, નથી રોજગાર… નથી ખેડૂતો અને મજૂરોની સમસ્યા પર ધ્યાન અપાતું કે નથી માઈક્રો, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો પણ સુરક્ષિત… આમ (કેરી) ભલે ખાવ, પણ આમ જનને છોડી દીધા હોત તો સારું થાત.’

ઉલ્લેખનીય છે કે, ભારતમાં રવિવારે વધુ 1.52 લાખ નવા કોરોના કેસ નોંધાયા હોવાના અહેવાલો વચ્ચે રાહુલે આવી ટિપ્પણી કરી છે. આજે સતત પાંચમો દિવસ છે જ્યારે દેશમાં દરરોજ એક લાખથી વધારે નવા કોરોના કેસ નોંધાય છે.