ભારતમાં, ફાગણ મહિનો દરેકના માટે એક વિશેષ મહિનો છે, કારણ કે આ મહિનામાં હોળીનો તહેવાર આવે છે. હોળી, રંગોનો તહેવાર છે. લોકોના મનમાં અનોખી ખુશી અને ઉત્સાહ સાથે ભરે છે. આ તહેવારનો આરંભ રંગો અને મિઠાઇઓથી થાય છે, પરંતુ એના કરતાં વધુમાં, આ તહેવાર લોકોની એકતા, મૌજ-મસ્તી અને જીવનમાં ખુશીઓ લાવવાનો સંદેશ આપે છે.
પરંતુ શું તમે જાણો છો કે ભારતના અલગ-અલગ રાજ્યોમાં હોળી ઉજવવાનો રિવાજ અને પદ્ધતિ એકબીજાથી સાથે ભિન્ન હોય છે? કેટલાક રાજ્યોમાં હોળી એક વિશાળ પર્વ બની રહે છે. હોળી એ માત્ર રંગોથી રમવાનો તહેવાર નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓના દરેક અલગ સ્વરૂપને ઉજાગર કરવાનો એક અવસર છે, જ્યાં દરેક રાજ્યમાં લોકો આ ઉત્સવને અનોખી રીતે ઉજવે છે. ત્યારે આવો જાણીએ ભારતના વિવિધ રાજ્યોમાં હોળી કેવી રીતે ઉજવવામાં આવે છે.
ઉત્તર પ્રદેશ
કાન્હાની નગરી ‘મથુરા’માં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોળીના તહેવાર પર વિશ્વભરના પ્રવાસીઓ અહીંયા આવે છે અને હોળીની ઉજવણી કરે છે. અહીં ફૂલો અને રંગોની હોળી રમાય છે. તો વળી રાધાજીના શહેર બરસાનામાં લઠ્ઠમાર હોળી ખૂબ જ ધૂમધામથી રમવામાં આવે છે. બીજા દિવસે નંદગાંવમાં લઠ્ઠમાર હોળી રમવામાં આવે છે. લઠ માર હોળીની પણ અનોખી પરંપરા છે. જેને રાધા-કુષ્ણના પ્રેમ સાથે જોડવામાં આવે છે. મહિલા પોતાના પ્રિય પાત્ર કે પતિને આ દિવસે લાકડીથી મારે છે, સામે પતિ પત્નીની લાકડીથી બચવાના પ્રયાસ કરે છે સદીઓછી ચાલતી પરંપરા પ્રેમનું પ્રતિક ગણવામાં આવે છે. બરસાનાની લઠ્ઠમાર હોળી દુનિયાભરમાં પ્રખ્યાત છે.
પશ્વિમ બંગાળ
બંગાળમાં હોળી, જેને “ડોલ જાત્રા”, “ડોલ પૂર્ણિમા” અથવા “ઝુલા મહોત્સવ” કહેવામાં આવે છે, આ તહેવાર પરંપરાગત રીતે કૃષ્ણ અને રાધાની મૂર્તિઓને પાવન શણગાર સાથે પાલખીમાં મૂકી, શહેરના માર્ગો પર લાવવામાં આવે છે. ભક્તો એમના દેવતાઓને ઝુલાવે છે, જ્યારે સ્ત્રીઓ નૃત્ય કરે છે અને ભક્તિ ગીતો ગાય છે. આ દરમિયાન પુરુષો એમના પર રંગ અને ગુલાલ ઉડારે છે. જે તહેવારને રંગીન અને આનંદથી ભરપૂર બનાવે છે.
ગુજરાત
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે સંગીત ઉત્સવો અને ગુલાલ સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે. આમ તો ગુજરાતમાં હોળી એ આનંદ, ભક્તિ અને ઉત્સાહનો તહેવાર છે, જે વિશેષ રીતે હોળિકા દહન, રંગોની રમત અને પરંપરાગત નૃત્ય-ગીતો સાથે ઉજવવામાં આવે છે. હોળીનો પર્વ ફાગણ મહિને આવે છે, અને આ દિવસનો આરંભ હોળિકા દહનથી થાય છે, જ્યાં લોકો ગામને પાદરે શ્રધ્ધાપૂર્વક હોલીકા દહન કરી, અસત્ય પર સત્યનો વિજય દર્શાવે છે. બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે. જેમાં એકબીજા પર રંગ છાંટીને ઉત્સવની ઉજવણી થાય છે. મહિના પહેલા ગુજરાતના માર્કેટમાં પીચકારીઓ અને રંગોનું વેચાણ શરૂ થઈ જાય છે. આ તહેવાર વિશ્વસનીયતા, પ્રેમ, અને મિત્રતાના સંકેત તરીકે ઉજવવામાં આવે છે, જે ગુજરાતની પરંપરાઓ અને સંસ્કૃતિને ઉજાગર કરે છે.
પંજાબ
પંજાબમાં હોળીને હોલા મોહલ્લા કહેવામાં આવે છે. દસમા શીખ ગુરુ ગોવિંદ સિંહે હોળી માટે હોલા મોહલ્લાનો ઉપયોગ કર્યો હતો. આ તહેવાર હોળીના બીજા દિવસે પવિત્ર મંદિર શ્રી આનંદપુર સાહિબ ખાતે ઉજવવામાં આવે છે. પરંપરા મુજબ, હોલિકા દહન પછી, હોલિકાની ભસ્મ પર, પંજાબી પરિવારના લોકો લોટ અથવા ચણાના લોટની મીઠી રોટલી બનાવે છે, જેને ડોડા કહેવામાં આવે છે. આ રોટલી રંગ રમવાના દિવસે પરિવારના સભ્યોને ખવડાવવામાં આવે છે. હોલા મોહલ્લાનો આ તહેવાર આનંદપુર સાહિબમાં 6 દિવસ સુધી ચાલે છે. આ પ્રસંગે ઘોડા પર સવાર નિહંગો, હાથમાં નિશાન સાહિબ લઈને તલવારબાજી કરીને હિંમત અને ઉમંગ દર્શાવે છે.
આસામ
આસામમાં હોળીને ‘મનુહ બિહુ’ના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં સમુદાય ‘બિહુ’ બોનફાયરની આસપાસ નૃત્ય કરે છે, લોક ગીતો ગાય છે અને પ્રેમ અને આદરના પ્રતીક તરીકે ‘ગામોસા’ની આપલે કરવા માટે એકસાથે આવે છે. લોકો પીઠા, લારુ અને જોલપન જેવી વિશેષ વાનગીઓ તૈયાર કરે છે અને એમના મિત્રો અને પરિવારને ઓફર કરે છે. તેઓ મંદિરોમાં પણ જાય છે, ભગવાન કૃષ્ણ અને રાધાની પૂજા કરે છે. મંદિરોને રંગબેરંગી ફૂલો અને રોશનીથી શણગારવામાં આવે છે. તહેવારની ઉજવણી માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
રાજસ્થાન
રાજસ્થાનના જયપુર અને ઉદયપુરમાં હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રાજવી પરિવાર સાથે સંકળાયેલા લોકો પણ આ સેલિબ્રેશનમાં ભાગ લે છે. આ બંને શહેરોમાં હોળી જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. વિદેશી પ્રવાસીઓ પણ અહીંયા આવે છે. રાજસ્થાનમાં માલી હોળી પણ જાણીતી છે. જેમાં માલી જ્ઞાતિના પુરૂષો મહિલાઓ પર પાણી નાખે છે અને સામે મહિલાઓ પુરુષોને લાકડીઓ વડે માર મારે છે.
આ ઉપરાંત ગોદાજીની ગૌર હોળી અને બિકાનેરની ડોલચી હોળી પણ ખૂબ જ સુંદર છે.હોળી પર રાજસ્થાનનું પરંપરાગત નૃત્ય એક અલગ જ ઓળખ ધરાવે છે. બીકાનેરમાં સવારથી રાત સુધી હોળી રમવામાં આવે છે. હોળીના રંગોની સાથે શ્રીગંગાનગરમાં પતંગ પણ ઉડાડવામાં આવે છે, ભરતપુરમાં લઠ્ઠમાર હોળી ઉજવવામાં આવે છે અને ઉદયપુર અને બાડમેરમાં હોળીનું નૃત્ય જોવા મળે છે. શેખાવતીનું ગિંદાદ નૃત્ય ખૂબ પ્રખ્યાત છે, જ્યારે જયપુરની ફૂલ હોળી પણ પ્રખ્યાત છે. દર વર્ષે હોળીના અવસરે, ઉદયપુર શહેરમાં રાજવી મેવાડ પરિવાર દ્વારા ભવ્ય હોળીની ઉજવણી કરવામાં આવે છે. તહેવારોમાં શણગારેલા ઘોડાઓ અને શાહી બેન્ડની ભવ્ય શોભાયાત્રાનો સમાવેશ થાય છે.
હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં 40 દિવસ સુધી હોળી ઉજવવામાં આવે છે. અહીં રાજવી પરિવાર ભગવાન રઘુનાથને રથમાં બેસાડીને પૂજા સાથે રથની પરિક્રમા કરે છે. પૂજા પછી, લોકો ભગવાન શ્રી રામની સ્તુતિ કરતા, એની સાથે જોડાયેલા દોરડાનો ઉપયોગ કરીને રથને ખેંચવાનું શરૂ કરે છે. આ પછી, થોડા સમય પછી રથને અટકાવવામાં આવે છે અને ત્યાં ભરત મિલાપ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનના રૂપમાં આ વ્યક્તિ જેને સ્પર્શ કરે છે અને જો એના હાથ પર રંગ આવી જાય તો એ ભાગ્યશાળી માનવામાં આવે છે. આ પછી ભગવાન રઘુનાથના રથને એના અસ્થાયી નિવાસસ્થાને લઈ જવામાં આવે છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં હોળીને રંગ પંચમી અને શિમગા તરીકે ઓળખવામાં આવે છે. અહીં ફાલ્ગુન માસમાં પૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત પછી લાકડા સળગાવીને હોળીનો તહેવાર શરૂ કરવામાં આવે છે. બીજા દિવસે, લોકો રંગપંચમી ઉજવે છે અને એકબીજાને રંગો લગાવે છે. શિમગાની સાંજે, એક બોનફાયર બનાવવામાં આવે છે અને ઓડલ હોલિકાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે જે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે.
કેરળ
કેરળમાં હોળીને મંજુલ કુલી તરીકે ઓળખવામાં આવે છે. અહીંના ગોસારીપુરમ થિરુમાના કોંકણી મંદિરમાં રંગોનો આ તહેવાર ઉજવવામાં આવે છે. હોળીના પહેલા દિવસે લોકો મંદિરે જાય છે અને બીજા દિવસે બધા એકબીજા પર હળદરનું પાણી છાંટીને લોકગીતો પર નૃત્ય કરે છે.
તમિલનાડુ
હોળીને લઈને તમિલનાડુમાં અલગ જ માન્યતા છે. તમિલનાડુમાં હોળીને કમન પંડીગાઈ અને કમન-દહનમા કહેવામાં આવે છે. જે ભગવાન શિવ દ્વારા પ્રેમના દેવતા કામદેવને અગ્નિદાહ આપવાનું સ્મરણ કરે છે. આ તહેવાર હોલીકા દહન અને પ્રાર્થના સાથે ઉજવવામાં આવે છે. અહીંના લોકો આ દિવસને કામદેવના યજ્ઞ તરીકે ઉજવે છે.
હેતલ રાવ
