દિવાળીની ઉજવણી અને તેનું સાચું તાત્પર્ય

દિવાળી – પ્રકાશનો તહેવાર, આનંદનો ઉત્સવ અને સદાચારના વિજયનું પ્રતીક. આ તહેવાર માત્ર દીવા પ્રગટાવવાનો કે ઘર-આંગણું સજાવવાનો અવસર નથી, પણ અંધકાર ઉપર પ્રકાશના અને અસત્ય ઉપર સત્યના વિજયની ઉજવણી છે. જે બહારના દીવાઓ સુધી મર્યાદિત નથી. સાચી દિવાળી તો ત્યારે ઉજવી ગણાય, જ્યારે આપણે પોતાના અંતરમાંથી અહંકાર, ઈર્ષ્યા, લાલચ અને દ્વેષ જેવા અંધકારને દૂર કરી દિલમાં પ્રેમ, ક્ષમા અને સદભાવના જેવા પ્રકાશના દીવા પ્રગટાવીએ.

દિવાળીનું ધાર્મિક મહત્વ અનેક કથાઓ સાથે જોડાયેલું છે. ભગવાન શ્રીરામ ચૌદ વર્ષના વનવાસ બાદ અયોધ્યામાં પરત ફર્યા, ત્યારે લોકોના હૃદયમાં જે આનંદ છલકાયો હતો, તે આજે પણ દીવાના રૂપે ઝળહળી ઊઠે છે. સાથે માતા લક્ષ્મીની પૂજા દ્વારા ધન, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.

તહેવારો માત્ર ધર્મ અને આસ્થા સિવાય બીજું ઘણું શીખવે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે માત્ર ધનસંપત્તિ જ નહીં, પણ સારા સંસ્કાર અને શાંતિપૂર્ણ મન પણ જરૂરી છે. પરિવાર સાથે એકતા, મિત્રો માટે લાગણી અને સમાજ પ્રત્યેની ફરજ – આ બધું દિવાળીની ઉજવણી સાથે સમજવું જરૂરી છે..

આજના સમયમાં, જ્યાં દેખાવ અને ભૌતિકતાનું મહત્વ વધ્યું છે, પોતાની પહોંચ કરતા પણ વધુ ખર્ચાઓ કરીને તહેવારો મનાવવામાં આવે છે. મીઠાઈઓ, ફટાકડા, નવા કપડા, ચીજ વસ્તુઓ, દાગીના અને એથી વધારે આગળ વધી મોંઘી કાર વગેરે આ દિવસોમાં વસાવી બીજાઓ સામે રૂઆબ વધારવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. એમાય સોશ્યલ મીડિયા જેવા પ્લેટફોર્મ આવ્યા પછી આ બધું અનેક ગણું વધી ગયું છે.

જો કે દિવાળીનું સાચું સૌંદર્ય સાદગી અને સંવેદનામાં છે, એ વાત સમજનાર સમાજ પણ અસ્તિત્વમાં છે. ઓછી આવક ધરાવતા કે જરુરીયાત મંદ સાથે ખુશી વહેંચવી, પર્યાવરણને બચાવતા રહી ફટાકડાનો ઉપયોગ ન કરવો, પર્યાવરણને નુકશાન ન કરે એવી રોશની, દીવા પ્રગટાવવી દિવાળી ઉજવવી. આમ વિચારનાર એક વર્ગ સ્નેહથી દિવાળી ઉજવી સમાજને સહકાર અને પ્રેમની શક્તિ વિષે ઉદાહરણ પૂરું પાડે છે.

કોઈ પણ તહેવારને એકલા મનાવવામાં કોઈ આનંદ નથી. સગા વહાલા કે મિત્રો વિના કોઈ ખુશી પુરી થતી નથી. દિવાળીમાં ખુશી વહેંચ્યા વિના સાચા અર્થમાં માણી શકાતી નથી. એથી જ પરસ્પર ગળે મળવું, ઘરે જમવા બોલાવવા, મીઠાઈઓ વહેચવી વગેરે પ્રથા જળવાઈ છે.

સાચી ઉજવણી એ કહેવાય જ્યારે લોકો જાતિ, કે વર્ગના ભેદ ભૂલીને સાથે મળીને ઉજવે છે. જેમ કે ઉત્તરાયણમાં દરેકના બહુમાળી બિલ્ડીંગ, અગાસીઓ કે જમીન ઉપરથી ઉડતી પતંગો કોઈ પણ ઘર્મ કે વર્ગને જોયા વિના એકમેક સાથે આનંદની હરીફાઈ કરે છે, અમીર ગરીબ જોયા વિના એકબીજામા લપેટાય છે અને ઉજવણી કરે છે તેમ દિવાળી હળીમળીને દિવાળી ઉજવાવવી જોઈએ.

 

દિવાળી, નવું વર્ષ, ભાઈબીજ વગેરે તહેવારો આપણને આપણા સંસ્કાર, ભાષા અને સંસ્કૃતિ સાથે જોડે છે. જે આપણી પરંપરા અને સંસ્કૃતિની ઓળખ સમા છે. સાથે માફી, સમાધાન અને નવા સંબંધો શરૂ કરવાની પ્રેરણા આપે છે. સાથે દાન અને કરુણાનો અર્થ સમજાવે છે. સાચી ખુશી ત્યારે મળે છે જ્યારે આપણે આપણા આનંદમાં અન્ય લોકોનો પણ ભાગ આપીએ. પરદેશમાં ઉજવાતા તહેવારોમાં નાત-જાત કે અમીર-ગરીબ એવા ભેદ મંદિર કે કોઈ બીજા દેવસ્થાનમાં નથી હોતા. આજ કારણે અહીંના બાળકોમાં એવી કોઈ ભાવના જન્મ નથી લેતી પરિણામે ગમે તે ઘર્મ અને જાતિને અપનાવી લેવાની તેમની તૈયારી સહુથી વધારે હોય છે.

દિવાળી જેવા પવિત્ર તહેવારમાં આપણે દીવા પ્રગટાવીએ છીએ. બહારના દીવા તો થોડાં સમય માટે ઝળહળે છે પરંતુ અંતરમાં પ્રકાશમાન પ્રેમ અને કરુણાનો દીવો સદાય માટે પ્રકાશ ફેલાવે છે. બસ આવા દીવા દરેકના હૈયામાં પ્રજવલિત રહે અને શુભ દિવાળી, સહુની રંગેચંગે ઉજવાય.

હેપી દિવાળી!

(રેખા પટેલ- ડેલાવર, અમેરિકા)