મોરોક્કો આમ જોવા જઈએ તો આપણા ભારત માટે, ખાસ કરીને ભારતીય પર્યટકો માટે એક દુર્લક્ષિત દેશ છે. આથી અમારું પણ મોરોક્કોમાં જવાનું થયું નહોતું. અને `ખાઈશ તો ઘી સાથે, નહિતર ખાઈશ જ નહીં’ એવું જ કાંઈક મોરોક્કોની બાબતમાં બન્યું.
આખરે લગભગ આઠેક મહિના પૂર્વે અમારા પાડોશી મિત્રમૈત્રિણીઓ સાથે અમે મોરોક્કોની એક-બે નહીં પણ રીતસર પંદર દિવસની રોડ ટ્રિપ નક્કી કરી અને અમારો `એક્સપ્લોર મોરોક્કો’ પ્રવાસ શરૂ થયો. અમે બબ્બે કપલ્સ એક-એક પ્રાડો જીપમાં હતાં. વારાફરતી ડ્રાઈવિંગ કરતાં હતાં અને મજલ દરમજલ કરતાં અમે મોરોક્કન હારા ડેઝર્ટમાં મેરઝુગા કેમ્પમાં પહોંચ્યાં. અમારી ટુરનો તે સૌથી લાંબો પોઈન્ટ હતો. અમને સૂર્યાસ્ત પૂર્વે પહોંચવું હતું, પરંતુ રસ્તા વિરહિત તે ડેઝર્ટમાં અપેક્ષિત મોડું થયું જ અને અમે ત્રણ કલાક મોડાં પહોંચ્યાં. બીજા દિવસે સવારે ડેઝર્ટ ડ્યુન બેશિંગ, સેન્ડ સર્ફિંગ વગેરે પ્રકાર કરવાનાં હોવાથી તે સપનાં જોતાં-જોતાં અમે તે કેમ્પ સેટિંગમાં સૂઈ ગયાં. બીજા દિવસે સવારે ચાર વાગ્યે ફોન રણક્યો અને નીલે મારા બાબાની એટલે કે તેના નાનાના નિધનની માહિતી આપી. કોઈ પણ પરિસ્થિતિમાં અમે પાંત્રીસથી ચાળીસ કલાક પૂર્વે પહોંચી શકીએ એમ નહોતાં. આથી તેને અને આઈને કહ્યું, `અમે તુરંત નીકળી રહ્યાં છીએ, પણ અમારે માટે થોભશો નહીં. બધા અટવાઈ નહીં જવા જોઈએ. અધરવાઈઝ તારી બૂમ પડતાં જ પંદર મિનિટમાં પહોંચનારાં અમે આટલું દૂર આવ્યાં પછી આવું બને તેમાં ચોક્કસ કોઈક ઈશ્વરી સંકેત દેખાય છે. લેટ્સ મૂવ અહેડ!’
હવે લગભગ આઠ મહિને આ લખતી વખતે થોડું હલકું મહેસૂસ થઈ રહ્યું છે, પરંતુ તે સમયે તેવી સ્થિતિ નહોતી એ તેટલું જ સાચું છું. આ પછી પ્રશ્ન હતો તે ડેઝર્ટમાંથી બહાર કઈ રીતે નીકળવાનું. કોન્વોય હોવા છતાં આગલા દિવસે અમને રસ્તા શોધવા પડતા હતા. નજીકમાં એરપોર્ટ નહોતું. એક હતું નાનું પણ તે અઢી-ત્રણ કલાક પર હતું, પરંતુ અમારી પાસે સેપરેટ વાહન નહોતું અને ડ્રાઈવરનો પણ પ્રશ્ન હતો. વાહન હોત તો પણ અમે એટલે કે સુધીર ચલાવવાની મનઃસ્થિતિમાં નહીં હોય. હેલિકોપ્ટર એરલિફ્ટિંગ પણ શક્ય નહોતું. સૌથી આસાન માર્ગ `જમીન પર હોવું’ તે હતો, રોડ ટ્રાવેલ. સવારે સાત વાગ્યા સુધી અમે વાહન અને ડ્રાઈવર લોકેટ કરી શક્યાં. તેને પણ ડેઝર્ટમાં પહોંચવા બે કલાક લાગવાના હતા. પાણીની બહાર કાઢેલી માછલી જેવી સ્થિતિ હતી. રણમાં તડફડિયા જાણે. દસ વાગ્યે ડ્રાઈવર આવ્યો અને અમે અમારા મિત્રમંડળીઓને અલવિદા કરીને નીકળ્યાં કાસાબ્લાન્કા એરપોર્ટ તરફ.
અગિયાર કલાકનો પ્રવાસ દેખાતો હતો. ફ્લાઈટ પણ મધરાત પછી જ હતી. આથી રસ્તામાં ક્યાંક કોઈ અડચણ નહીં આવે તો અમે આરામથી પહોંચવાનાં હતાં. મેરઝુગા સુધી પહોંચવા અમને અઢી દિવસ લાગ્યા હતા, જે પ્રવાસ અમે હવે જૂજ કલાકમાં કરવાના હતા. ડ્રાઈવર હસન ભલો માણસ દેખાતો હતો. આથી માનસિક નિશ્ચિંતી મળી. ચારેબાજુ ફેલાયેલો અવિરત રણ, રસ્તા ક્યાંય દેખાતા નહોતા. છતાં ડ્રાઈવર હસન સૂઝબૂઝપૂર્વક વાહન ચલાવતો હતો. અમે જોયું તો તેણે GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ઓન કર્યું નહોતું. સુધીરે પ્રશ્ન કર્યો કે, `અમને ક્યાંય આગળનો રસ્તો દેખાતો નથી, તેં GPS પણ લગાવ્યું નથી, તને કયા ડિરેકશનમાં જવું જોઈએ તે કઈ રીતે સમજાય છે.’ તો કહ્યું, `હું પાક્કો મોરોક્કન છું. મને મારા દેશની સંપૂર્ણ માહિતી છે, મેં અનેક વાર તે જોયો છે અને ભગવાને જે GPS મારા મગજમાં ગોઠવ્યો છે તે આ ટેક્નિકલ GPS કરતાં બહુ સ્ટ્રોંગ છે.’
`વાવ!’ આ કાંઈ અમને એટલે કે તેની સવારીને ઈમ્પ્રેસ કરવા માટે આપેલો ઉત્તર નહોતો, પરંતુ અમે પ્રેક્ટિકલી તે જોતાં હતાં. અગિયાર કલાકના તે પૂર્ણ પ્રવાસમાં તેણે GPS ઓન કર્યું નહીં. એટલે એ.આઈ., જનરેટિવ એ.આઈ.ના વપરાશના ઘેલાં અમને તેનું આ GPS નહીં વાપરવું થોડું રિસ્કી પણ લાગતું હતું. મનમાં આવતું હતું, એકાદ ટર્ન ચૂકી ગયા તો? કહેવાય છે ને કે, `એવરી રાઈટ ટર્ન ઈઝ નોટ અ રાઈટ ટર્ન.’ અમારું ચિંતિત મન એક બાજુમાં `ફ્લાઈટ મિસ તો નહીં થાય ને આના આ GPS નહીં વાપરવાને લીધે’ તેનો વિચાર કરતું હતું. તે સમયે તેના ભગવાને તેના મગજમાં ગોઠવેલા GPS પર પૂર્ણ ભરોસો રાખ્યો અને તે બાબતની ચિંતા કરવાનું છોડી દીધું. બલકે તે ચિંતાનો અથવા ભયનો અંશ પણ મનમાં રાખ્યો નહીં. મજલ દરમજલ કરતાં અમે અગિયાર કલાકે કાસાબ્લાન્કા એરપોર્ટ પહોંચ્યાં. હસનના મનથી આભાર માન્યા. તે નીકળી ગયો, પણ તેના મગજમાંનું GPS જો કે મારા મગજમાં પાક્કું ગોઠવાઈ ગયું. હસન ડ્રાઈવરનું વાહન પ્રાડો હતું. એકદમ અલ્ટ્રામોડર્ન, તેટલો જ સ્ટ્રોંગ GPS સપોર્ટ તેમાં હતો. જો કે સામે GPS જેવી હાથવગી સુવિધા હોવા છતાં તે તેની બુદ્ધિનો ઉપયોગ કરતો હતો. માણસની આંતરશક્તિને નિસ્તેજ કરનારાં અત્યાધુનિક ઉપકરણોથી પોતાને બચાવતો હતો. આ સાથે દેશ વિશે જાજ્વલ્ય અભિમાન તેની પાસે હતો. મારો દેશ મને ખબર હોવો જોઈએ અને હું જો ટુરીઝમ અથવા ટ્રાન્સપોર્ટમાં હોઉં તો મારા દેશના રસ્તા અને તેની રજેરજ માહિતી મને હોવી જોઈએ એ તેના મોરલ વેલ્યુ અથવા તેણે પોતાને તે માટે નિર્માણ કરેલાં આ નીતિમૂલ્યો. ઈમરજન્સીમાં કરેલો મેરઝુગાથી કાસાબ્લાન્કા પ્રવાસ ઘણું બધું શીખવી ગયો.
ટેકનોલોજિકલી આપણે એક અત્યંત સુંદર દુનિયામાં વસવાટ કરીએ છીએ. સુખ-સુવિધાઓ આપણા પગ ચૂમી રહી છે. ચુટકી પણ વધુ સમય લેશે, તેથી ચુટકી વગાડતાં નહીં પણ ચુટકી પૂર્વે દુનિયાની કોઈ પણ બાબતની માહિતી આપણને મળવા લાગી છે. આ ફાસ્ટ પેસ્ડ દુનિયામાં પોતાને ટકાવી રાખવા હોય, દુનિયા સાથે ખભેખભા મિલાવી રાખવા હોય અને વિજયી બનવું હોય તો આપણને આ સુખ-સુવિધાઓનો વપરાશ કરતાં આવડવો જોઈએ. આપણે, એટલે કે, જેમને ભવિષ્ય ઘડવું છે અથવા નાશ થવા દેવું નથી તે બધાએ આ સર્વ બાબતોનો ઉપયોગ દૈનિક જીવનનું અવિભાજ્ય અંગ તરીકે કરવો જોઈએ. હું આ વાતથી સંમત છું, કારણ કે હું પણ એક વ્યાવસાયિક છું. પણ… પણ અહીં ખતરાની સૂચના છે. આપણા ગુજરાતીમાં એક કહેવત છે, `કૂવામાં જ નહીં હોય તો હવાડામાં ક્યાંથી આવે?’ જી.પી.એસ., ચેટ જી.પી.ટી., ક્લાઉડ, પરપ્લેક્સિટી, મેટા એ.આઈ., ચેટસોનિક, ગૂગલ જેમિની, માઈક્રોસોફ્ટ કોપિલોટ, જસ્પર એ.આઈ., ગ્રોક, બિંગ… આવાં રીતસર અસંખ્ય ટૂલ્સ હવે ઉપલબ્ધ છે અને રહેશે. જો કે આપણને તેમાંથી શું જોઈએ, તેના દ્વારા આપણે શું કરી શકીએ અને આપણને ચોક્કસ શું જરૂર છે તે જ જો આપણને ખબર નહીં હોય તો આ ટૂલ્સનો કોઈ ઉપયોગ નથી. પણ એ.આઈ. અને જનરેટિવ એ.આઈ.ની ક્ષમતા અને તેનો આપણને થનારો ઉપયોગ જોઈને મેં પોતાની અંદર પરિવર્તન લાવી દીધું. શું કરવાનું છે? શા માટે કરવાનું છે? અને કઈ રીતે કરવાનું છે? આ બેઝિક અથવા આ સ્ટ્રેટેજીનો ભાગ આપણને ખબર હોવો જોઈએ. એકવાર તે સંબંધમાં આપણે ક્લિયર હોઈએ તો પછી દુનિયાભરના ઉત્તમોત્તમ ક્નસલ્ટન્ટ્સ અને ગુરુઓએ કરેલા રિસર્ચ સાથે ચેટ જી.પી.ટી. જેવા અનેક જણ હાથ જોડીને આપણી સામે નમ્રતાથી ઊભા છે. તેમની મદદ લેવી એટલે દુનિયાની ગતિ સાથે ચાલવું. પણ આ બધું હોવા છતાં અમારા અમુક ડિપાર્ટમેન્ટ્સમાં જ્યાં જરૂર છે ત્યાં ઘણા બધા ટીમ મેમ્બર્સ હજુ પણ આ આયુધોનો જોઈએ તેટલો ઉપયોગ કરતા નથી.
આ `આપણે જે કાંઈ કરીએ છીએ તે વધુ સારું કરવા માટે આ સર્વ નવી ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરતા નથી?’ આ પ્રશ્ન તેમને કર્યા પછી અલગ-અલગ બાબતો દેખાઈ, જે વ્યક્તિ તેટલી પ્રકૃતિ અથવા પ્રવૃત્તિનું પ્રતીક છે. `સ્ટેટસ ક્યો’ એ પહેલી પ્રવૃત્તિ, છે તેમ સારું ચાલી રહ્યું છે ને, અહીં શ્વાસ લેવાનો સમય નથી, રિસર્ચ વગેરે બહુત દૂર કી બાત હૈ. આ એક પ્રકાર, બીજો પ્રકાર `આઈ નો એવરીથિંગ, મશીન મને શું શીખવશે’ અને ત્રીજો પ્રકાર `એવો કાંઈક માર્ગદર્શક ઉપલબ્ધ છે જે આપણું કામ ઝડપથી પૂરું કરશે અથવા વધુ કોઈ નવા આઈડિયાઝ આપણને આપશે તેની ધૂંધળી કલ્પના નહીં હોય તેવી દુનિયાથી અનોખા માણસો.’ આ પછીના પ્રકાર એટલે અમુકને નવી ટેકનોલોજીનો ડર, કદાચ તે ટેકનોલોજી આપણને રિપ્લેસ કરશે તેથી હોય છે. હાલમાં હું એ.આઈ. એજન્ટ બની છું. અમુક ટીમ્સ માટે અને `વ્હોટ્સ ફોર મી ઈન ઈટ’નું મહત્ત્વ દાખલા સહિત ટીમને મનાવી આપવાનો પ્રયાસ ચાલુ છે. અગાઉ આપણા આઈડિયાનો ઊંડાણથી અભ્યાસ કરવા માટે આપણને અનેક પુસ્તકો વાંચી કાઢવા પડતા હતા. અનુભવ સંપન્ન વ્યક્તિઓ સાથે વાત કરીને તેમની સલાહ લેવી પડતી, જો કે તેની વચ્ચે બહુ સમય વીતી જતો હતો. આ બધું કરવા માટે દિવસો અને મહિનાઓ વીતી જતા, એ હવે અમુક કલાકની મહેનતથી આપણને મળી રહ્યું છે. કોઈ પણ એ.આઈ.ને `ક્લિયર, ઈન ડિટેઈલ, સ્પેસિફિક પ્રોમ્પ્ટ’ આપવું જરૂરી હોય છે. આ માટે જ આપણને આટલો સમય લાગે છે. બાકી ઉત્તરો આપવાનું કામ મશીન અમુક મિનિટોમાં અથવા કલાકોમાં કરે છે જો પ્રોજેક્ટ મોટો હોય તો. મારી પાસે પેશન્સ છે અને પરિવર્તન ઘડવા વાર લાગે છે તેનું ભાન પણ છે. જો કે આવનારા ભવિષ્યનો સામનો કરવો હોય તો દરેકે પોતાને અપગ્રેડ કરવું જ જોઈએ અને તે માટે બધા આયુધો ઉપલબ્ધ છે, જેનો હકારાત્મક અને યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. જો કે આવું કરતી વખતે આપણા મગજમાં GPS અને મનમાંના GPSને સતત જાગૃત રાખવું, અંતર્જ્ઞાન અને સર્જનશીલતાને નિરંતર જાળવી રાખવું તે આપણી જવાબદારી છે. વિજ્ઞાન ટેકનોલોજી આપણા સપોર્ટ છે. તેના આધારે આપણા વિચારોને મજબૂતી આપીએ, આપણું કૌશલ્ય વિકસિત કરીએ. મેં તે મોરોક્કન ડ્રાઈવરનું, હસનનું બોલવાનું `એલર્ટ’ તરીકે સંગ્રહી રાખ્યું છે મારી અંદરની ક્રિયેટિવિટીને, ઈનોવેશનને સદા જાગૃત રાખવા. તેને થોડું એન્હાન્સ કર્યું છે, `મારા ભગવાને મારા મગજમાં GPS અને હૃદયમાં GPS ગોઠવ્યું છે તે જ મારું માર્ગદર્શક છે.’
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)


