શું સ્ટ્રેસ વગરનું જીવન શક્ય છે?

પૃથ્વી પરની પ્રત્યેક જીવંત વ્યક્તિનું એક સર્વ સામાન્ય ધ્યેય છે, તણાવ મુક્ત થવું! દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવન મુક્ત અને ઉલ્લાસપૂર્ણ હોય, સ્ટ્રેસનો સદંતર અભાવ હોય! આવું કઈ રીતે બને? શું સ્ટ્રેસ વગરનું જીવન શક્ય છે ખરું? 

જયારે તમે ખુશ હો છો, ત્યારે શું અનુભવ કરો છો? જાણે તમારી અંદર કઈંક વિસ્તરણ થઇ રહ્યું છે, એવું લાગે છે. અને જયારે તમે દુ:ખી હો છો ત્યારે અંદર કઈંક સંકોચન થઇ રહ્યું હોય એમ લાગે છે, ખરું? તો આ “કઈંક” જે ભીતર વિસ્તરણ પામે છે અને સંકોચન પામે છે તે વાસ્તવમાં જાણવા યોગ્ય છે. જયારે મન મૌન છે અને સમત્વની સ્થિતિમાં છે, મનની આ અવસ્થા એ જ સમાધિ છે. માત્ર થોડી ક્ષણોનો પણ આ અનુભવ ઊંડો વિશ્રામ આપે છે અને સઘળો તણાવ દૂર થાય છે. 

આપણું અસ્તિત્વ પ્રેમથી બન્યું છે અને ઊંડા વિશ્રામની અવસ્થામાં, આપણા પ્રેમપૂર્ણ સ્વભાવ ઉપર સ્ટ્રેસનું આવરણ છવાઈ ગયું હતું તે દૂર થાય છે અને પ્રેમના પ્રકાશથી આપણે ઝળકી ઉઠીએ છીએ. જેમ આપણું શરીર પ્રોટીન, કાર્બો હાઇડ્રેટ્સ અને એમિનો એસિડથી બન્યું છે તે જ રીતે આપણા આત્માનું મૂળ તત્વ પ્રેમ છે. સમાધિ અને ધ્યાન એટલે પ્રેમ તત્વમાં, આત્મતત્વમાં ડૂબી જવું! માત્ર થોડી ક્ષણોનો આ અનુભવ પૂર્ણ સંતોષ અને મુક્તિ આપે છે. 

એક રિસર્ચ અનુસાર એક શિશુ દિવસમાં 400 વખત સ્મિત કરે છે. એક ટીન એજર 17 વખત સ્મિત કરે છે અને એક પુખ્ત વયની વ્યક્તિ લગભગ સ્મિત કરતી નથી. અને પોતાની કારકિર્દીમાં, સમાજમાં વ્યક્તિ જેટલી સફળ, તેટલી તેનામાં મૃદુતા ઓછી થતી જાય છે. સ્મિત કરવાનું તે ભૂલી જાય છે. શું રુક્ષતા એ સફળતાની નિશાની છે? સમૃદ્ધિ અને પ્રગતિતો જ શક્ય બને જો તણાવ હોય? ના! કઠિનથી કઠિન સંજોગોમાં પણ ચહેરા પરથી સ્મિત વિલાય નહિ તે સાચી સફળતા છે. 

તો ખુબ હસો! સવારમાં ઉઠીને પહેલું કામ કરો, અરીસામાં જોઈને પોતાની જાતનું એક સુંદર, નિખાલસ સ્મિતથી અભિવાદન કરો. આ કરી શકાય ને? તમે હસો છો ત્યારે શું થાય છે? તમારા ચહેરાના બધા સ્નાયુઓને વિશ્રામ મળે છે. તમારાં મસ્તિષ્કનાં જ્ઞાન તંતુ, ચેતા તંતુ, નર્વસ સિસ્ટમને પ્રગાઢ વિશ્રામ મળે છે. અને તમારામાં ઉર્જાનો સંચાર થાય છે, તમે આત્મવિશ્વાસ અને જોમથી છલકાઈ ઉઠો છો. જો તમે ઉદાસ ચહેરા સાથે સવારે ઉઠશો તો દિવસ આખો તમે ઉદાસ રહેશો. જાણે તમારી ઉપર આભ તૂટી પડ્યું છે એવું તમને લાગશે. 

જીવનના પથ પર હંમેશા ગુલાબ નહિ મળે. કપરા સંજોગો પણ આવશે. ગમતી અને ન ગમતી ઘટનાઓ જીવનમાં ઘટવાની જ છે. આપણે આ બધા સંજોગોનો સામનો કરવાનો છે જ અને તે માટે જોશ, ઉર્જા, ઉત્સાહનું પણ આપણે જ સર્જન કરવાનું છે. 

પૃથ્વી પર આવીને સૌથી પહેલું કામ આપણે શું કરીએ છીએ? શ્વાસ લઈએ છીએ અને રડીએ છીએ. અને પૃથ્વી પરથી જઈશું ત્યારે અંતિમ કાર્ય શું કરીશું? શ્વાસ છોડીશું અને બીજા લોકો રડશે. પ્રથમ અને અંતિમ શ્વાસની વચ્ચે જે જીવન છે તેમાં આપણે જુદાં જુદાં કારણોને લઈને રડ્યા કરીએ છીએ. અને તણાવથી જીવન ભરાઈ જાય છે, જીવનની સુંદરતાને આપણે જાણી શકતા નથી અને રોઈ રોઈને જીવન વેડફી દઈએ છીએ. 

જીવન ખીલે છે હાસ્ય માં! હાસ્ય એ એક પવિત્ર ઉપહાર છે, સુંદર જીવનનું રહસ્ય છે. હાસ્યને જાળવી રાખીએ, જીવંત રાખીએ તો જીવન પ્રસન્નતાથી છલકી ઉઠશે. આપણું હાસ્ય પણ એટલું નાજુક હોય છે કે કોઈ એક અણગમતો ફોન કૉલ આવે અને મુરઝાઈ જાય છે. કેટલાય દિવસો સુધી મન એક અણગમતા ફોન કૉલને લઈને ઉદાસ રહે છે. મનની આ વૃત્તિમાં પરિવર્તન આવે તો જીવનની ગુણવત્તા બદલાઈ જાય છે. 

મન સ્થિર, સંતુલિત, શાંત અને પ્રસન્ન કઈ રીતે બને?

આ રહસ્ય આપણા શ્વાસમાં છુપાયેલું છે. શ્વાસ આપણાં અસ્તિત્વનું મહત્વનું અંગ છે. શ્વાસની જુદી જુદી લય-રિધમ સાથે, જુદી જુદી ભાવનાઓ સંયોજાયેલી હોય છે.  જેમ કે તમે ગુસ્સો કરો છો ત્યારે શ્વાસની ગતિ તેજ હોય છે, અને શાંત હો છો ત્યારે શ્વાસ દીર્ઘ અને હળવા હોય છે. દુ:ખી અને ઉદાસ હો છો ત્યારે શ્વાસ અનિયમિત અને મંદ હોય છે. તો દરેક નકારાત્મક ભાવના સાથે શ્વાસની ચોક્કસ લય જોડાયેલી છે. નકારાત્મક ભાવનાઓને મન ના સ્તરથી કે વિચારો દ્વારા દૂર કરી શકાતી નથી. જેમ ભાવનાઓ બદલાય છે તેમ શ્વાસની ગતિ બદલાય છે, તો તેના થી અવળું પણ એટલું જ સાચું છે.

શ્વાસની રિધમને બદલાવીને તમે નકારાત્મક ભાવનાઓને સકારાત્મક બનાવી શકો છો. યોગ, ધ્યાન, પ્રાણાયામ, સુદર્શન ક્રિયા દ્વારા તમે તમારું શ્વસન લયબદ્ધ કરી શકો છો, અને લયબદ્ધ શ્વસન બધી જ નકારાત્મકતા નિર્મૂળ કરીને જીવન ને ઉલ્લાસિત બનાવે છે. પછી કોઈ કાર્ય અઘરું નથી. સ્થિર મનની અવસ્થામાં સઘળા સંકલ્પ પૂરા થાય છે. હાસ્ય ખીલી ઉઠે છે. 

ગુરુ નાનક દેવ કહે છે, પ્રત્યેક શ્વાસ પર ઈશ્વરનું સ્મરણ કરો. શ્વાસ પ્રત્યે સજગ રહીને જયારે તમે ઈશ્વરનાં સ્મરણમાં ડૂબી જાઓ છો,ત્યારે તમે સાચી સ્વતંત્રતાનો અનુભવ કરો છો. 

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]