લીલા વટાણાની બ્રેડ વિનાની સેન્ડવિચ

લીલા વટાણાની સિઝન હજુ ચાલુ છે. માર્કેટમાં તાજા વટાણા મળી રહ્યાં છે. તો આ નવી વેરાયટીની, બ્રેડ વિનાની સ્વાદિષ્ટ સેન્ડવિચ બનાવવા જેવી છે!

સામગ્રીઃ

  • લીલા વટાણા 2 કપ
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • લીલા મરચાં 2-3, જીરુ 1 ટી.સ્પૂન
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • દહીં 1 કપ
  • રવો 2 કપ
  • બટર અથવા ઘી સેન્ડવિચ શેકવા માટે
  • ઈનો 1 ટી.સ્પૂન

પૂરણ માટેઃ

  • બાફેલા બટેટા 6-7
  • ઓરેગેનો પાઉડર
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
  • ચીઝ સ્લાઈસ અથવા ચીઝ ક્યુબ્સ 4-5
  • ફુદીનાના પાન ½ કપ
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન

રીતઃ મિક્સીમાં લીલા વટાણા, સમારેલો આદુનો ટુકડો, લીલા મરચાં, જીરુ, કોથમીર તેમજ હળદર પાઉડર ઉમેરીને થોડુંક પાણી ઉમેરીને બારીક પેસ્ટ કરી લો. આ પેસ્ટમાં રવો તેમજ દહીં, સ્વાદ મુજબ મીઠું પણ મેળવીને 10 મિનિટ માટે એક બાજુએ રાખો.

બાફેલા બટેટાને ક્રશ કરીને એક બાઉલમાં લઈ તેમાં ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું, આમચૂર પાઉડર, ઝીણી સમારેલી કોથમીર તેમજ સમારેલાં ફુદીનાના પાન મેળવીને પૂરણ તૈયાર કરીને એના નાના ગોળ ચપટા ગોળા વાળી લો.

ચીઝ ક્યુબ્સના નાના ટુકડા કરી લો.

સેન્ડવિચ બનાવતી વખતે વટાણાના પૂરણમાં 1 ટી.સ્પૂન ઈનો પાઉડર નાખી તેની ઉપર 1 ટી.સ્પૂન પાણી રેડીને 1 મિનિટ માટે ચમચા વડે એકસરખું ફેંટી લો.

ટોસ્ટ સેન્ડવિચ મેકરમાં અંદર બટર અથવા ઘી ચોપડીને તેને ગેસ પર ગરમ કરી લઈ, તેમાં એક ચમચો વટાણાનું પૂરણ રેડીને ફેલાવીને ઉપર બટેટાની ટિક્કી મૂકી તેની ઉપર ઓરેગનો પાઉડર ભભરાવી દો. હવે તેની ઉપર ચીઝ સ્લાઈસ હોય તો આખી મૂકી દો અને ચીઝ ક્યુબ્સ હોય તો તેના 4-5 ટુકડા ફરતે ગોઠવીને ફરીથી તેની ઉપર એક ચમચો વટાણાનું પૂરણ રેડીને ફેલાવી દો અને ટોસ્ટ મેકર બંધ કરીને 2-3 મિનિટ થવા દો. આ આખી પ્રોસેસ ઝડપથી કરવી અને ગેસની આંચ ધીમી રાખવી. ફરીથી સેન્ડવિચ મેકરને બીજી બાજુએથી પણ 2-3 મિનિટ શેકી લો.

સેન્ડવિચ મેકરમાં સેન્ડવિચ ન બનાવવી હોય તો તવા ઉપર પણ બનાવી શકાય. તવો ગરમ કરીને પૂડલાની જેમ ખીરું રેડીને બાકીની પ્રોસેસ ઉપર બતાવી છે તેમ કરી લેવી.