UNSCનું કાયમી સભ્યપદ મેળવવામાં ભારતને મદદ કરશે રશિયા?

નવી દિલ્હીઃ ભારત લાંબા સમયથી યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)નું કાયમી સભ્યપદ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન એના પર અડચણ ઊભું કરતું રહ્યું છે. જ્યારે રશિયા એકમાત્ર એવો દેશ છે, જેણે ભારતના સભ્યપદની અરજીને સૌથી મજબૂત સમર્થન આપ્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની ભારત મુલાકાત દરમિયાન આ મુદ્દો પણ ચર્ચામાં આવે એવી શક્યતા છે.

UNSC એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને દુનિયાની મુખ્ય શાસન સંસ્થા કહી શકાય. તેમાં વિશ્વના પાંચ તાકાતવર દેશો છે, જેમના નિર્ણયો સામે કદાચ જ કોઈ વાંધો ઉઠાવી ન શકે. આ જ પરિષદનું કાયમી સભ્યપદ મેળવવા ભારત સતત પ્રયત્નશીલ રહ્યું છે. એક તરફ ચીન આમાં રોડાં કરતું રહ્યું છે તો બીજી તરફ રશિયા ભારતની પૂરી રીતે વકીલાત કરતું રહ્યું છે. દિલ્હી જો સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બને તો તેમાં મોસ્કોનો મોટો ભાગ રહેશે.

શા માટે UNSCમાં સામેલ થવું મોટી વાત છે?

આ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી શક્તિશાળી અંગ છે, જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા માટે જવાબદાર છે. પરિષદ શાંતિ અને સુરક્ષા સંબંધિત અનેક મોટા નિર્ણયો કરે છે, જે ભૂરાજકારણ સાથે જોડાયેલા હોય છે. તેમાં કોઈ દેશ પર સૈન્ય કાર્યવાહીથી લઈને આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશોનો ચૂંટણી સુધી- અહીં સુધી કે આ પરમાણુ સુરક્ષાથી જોડાયેલા નિર્ણયો પણ લઈ શકે છે. આ પરિષદનું કાયમી સભ્યપદ મળવાથી ભારતને વિટો પાવર મળશે, જેથી ખોટા અથવા એકતરફી નિર્ણયો પર તે રોક લગાવી શકશે. આંતરરાષ્ટ્રીય મંચ પર સશક્ત હાજરીને કારણે ભારત સરહદ પર ચાલી રહેલા આતંકવાદના મુદ્દાને પણ વધુ દમદાર રીતે ઉઠાવી શકશે.

પછી વાત ક્યાં અટકી રહી છે?

ભારત વર્ષોથી UNSCનું કાયમી સભ્ય બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેને P5માં જગ્યા જોઈએ — એટલે કે અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, રશિયા અને ચીન જેવું કાયમી સભ્યપદ. આ માગ પાછળ મજબૂત કારણ છે. ભારત વસ્તી, સૈન્ય અને અર્થતંત્ર — ત્રણેય મામલે અત્યંત સશક્ત દેશ છે. તેથી વૈશ્વિક પ્રતિનિધિત્વની વાત કરતાં તેનું સ્થાન હોવું જ જોઈએ, પણ મુદ્દો એટલા માટે અટકી જાય છે કે બધા દેશોની પાકી સહમતી મળતી નથી. કેટલાક દેશોને ભય છે કે નવા કાયમી સભ્યો આવી ગયા તો તેમની અસર અને શક્તિ ઘટી જશે.