બહુચરાજી: અનેક ધર્મ સંપ્રદાયોના શ્રધ્ધાળુઓ વિવિધ તીર્થ સ્થાનો પર પગપાળા પણ દર્શન કે માન્યતા પૂર્ણ કરવા જતાં હોય છે. હમણાં ચુંવાળ સ્થિત શક્તિપીઠ બહુચરાજી તરફ દર્શન માટે એક અનોખો સંઘ પગપાળા પ્રયાણ કરતો જોવા મળ્યો. આ સંઘ સતત 92 વર્ષથી ફાગણ મહિનામાં બહુચરાજી પગપાળા દર્શન માટે જાય છે.
અમદાવાદથી બહુચરાજી તરફ જતા પગપાળા સંઘના ઉમંગભાઇ મિસ્ત્રી ચિત્રલેખા.કોમને કહે છે, “શહેરના આસ્ટોડિયા દરવાજા વિસ્તારની પાંચ ભૈયાની ખડકીથી બહુચરાજી શક્તિપીઠ તરફ સતત 92 વર્ષથી પગપાળા સંઘ નીકળે છે. ધરતીકંપ, ગોધરાકાંડ કે કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ શ્રધ્ધાળુઓ બહુચરાજી તરફ પગપાળા દર્શન માટે ગયા હતા. બેચરદાસ હરીદાસ ભગત, નગીનદાસ ભગત દ્વારા 92 વર્ષ પહેલાં શરૂ થયેલો આ સંઘ બહુચરાજી પહોંચી ધજા ચઢાવે છે. ત્યારબાદ બીજા દિવસે સૌથી મોટા અન્નકુટ ભરવામાં આવે છે. આ અન્નકુટ તમામ સંઘોમાં વિશેષ અને મોટો માનવામાં આવે છે. શક્તિપીઠના પ્રાંગણમાં નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. એ પછી આસપાસના 1500 જેટલા બાળકોને ભેગા કરી ભેટ સોગાદો આપવામાં આવે છે.”
બહુચરાજી મંદિરે ધજા ચઢાવી, અન્નકુટ, નવચંડી અને બાળકોને ભેટ સોગાદ આપી પરંપરાગત રીતે એકઠા થઇ આભાર વિધી કરી અમદાવાદ તરફ પ્રયાણ કરે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)




