ઉત્તર પ્રદેશ-બિહારમાં અકાશી આફત, પૂરના પાણીમાં 300 ગામ ડૂબ્યાં

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. બિહારમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. અહીં પૂરના કારણે 274 સ્કૂલો બંધ કરવામાં આવી છે. જયારે 20 સ્કૂલો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે. પરિણામે બુધવારથી શરુ થતી પરીક્ષાને પૂરના કારણે હાલ મુલતવી રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં ઘાઘરા, ગંડક, ગંગા, વરુણા નદી પૂરથી પ્રભાવિત થઈ છે. ગોંડા જિલ્લાના 35 ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ અયોધ્યામાં સરયૂ નદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. લખીમપુર ખેરીના ઘણા ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. લગભગ 300 ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. પ્રયાગરાજ, ઇટાવા અને મિર્ઝાપુરમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.