નવી દિલ્હીઃ ઉન્નાવ રેપ કાંડમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મૂક્યો છે, જે કુલદીપ સેંગર માટે મોટો આંચકો છે. CBI તરફથી રજૂ થયેલા વકીલે આ કેસને પહેલેથી જ એક ભયાનક અપરાધ ગણાવી કડકથી કડક સજા કરવાની માગ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેંગરના જામીન બાબતે ચુકાદો આપ્યો છે અને હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે.
હજી થોડા દિવસો પહેલાં હાઈકોર્ટે ચુકાદામાં સેંગરની આજીવન કેદની સજા નિલંબિત કરીને તેને જામીન આપ્યા હતા. જોકે તે નિર્ણય બાદ પણ સેંગર જેલમાં જ રહ્યો હતો, કારણ કે તે રેપ પીડિતાના પિતાની કસ્ટડીમાં થયેલી મોતના કેસમાં 10 વર્ષની સજા પણ ભોગવી રહ્યો છે. આ મામલે પણ સેંગરે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે. આ સુનાવણીમાં કોર્ટે 1984ના એ.આર. અંતુલે કેસના ઐતિહાસિક ચુકાદાનો હવાલો આપીને કુલદીપ સેંગરને તક્નિકી રીતે લોકસેવક માનવાનો ઇનકાર કર્યો હતો.
દિલ્હીની એક નીચલી અદાલતે સગીર યુવતી સાથે રેપના મામલે વર્ષ 2019માં કુલદીપ સેંગરને આજીવન કેદની સજા સંભળાવી હતી. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં વર્ષ 2017માં થયેલી આ ઘટનાએ દેશભરમાં ભારે આક્રોશ જગાવ્યો હતો.
ઉન્નાવ રેપ પીડિતાએ કહ્યું હતું કે મને સુપ્રીમ કોર્ટ પર પૂરો વિશ્વાસ છે. તેણે કહ્યું હતું કે મને સુપ્રીમ કોર્ટ પર ભરોસો છે કે તે ન્યાય આપશે. હું દરેક મહિલાનો અવાજ ઉઠાવી રહી છું. જો CBIએ આ પહેલા કર્યું હોત, તો મને ન્યાય મળી ગયો હોત.


