લંડનઃ બ્રિટીશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે યુનાઈટેડ કિંગડમ(UK) અને ભારત વચ્ચે રોકાણ તેમજ આર્થિક વૃદ્ધિની તકો વધારવા માટે ભારતીય રોકાણકારો અને સી.ઈ.ઓ.નાં સાથે મીટિંગ કરી.આ અંગે એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું કે આ મુલાકાત G-20 ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના અનુસંધાનરૂપે કરવામાં આવી છે. G-20માં આર્થિક વૃદ્ધિ, સુરક્ષા અને સંરક્ષણ, ટેક્નોલોજી, આબોહવા, આરોગ્ય અને શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં ભારતના સહયોગ માટેની તકો વિશે UKના મહત્વાકાંક્ષી વિઝન અંગેની ચર્ચા કરવામાં આવી હતી.કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) દ્વારા સમર્થિત પ્રતિનિધિમંડળે UKના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર રશેલ રીવ્સ અને વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અંગેની ચર્ચા કરી હતી. સેક્રેટરી ઓફ સ્ટેટ જોનાથન રેનોલ્ડ્સ અને રાજ્ય મંત્રી ડગ્લાસ એલેક્ઝાન્ડરે પણ યુકે-ભારત વેપાર કરાર હેઠળ ભવિષ્યની તકો અંગે ચર્ચા કરવા પ્રતિનિધિમંડળને મળ્યા હતા.
બંને દેશો વચ્ચેનો કુલ વેપાર પહેલેથી જ £42 બિલિયનનો છે અને તે બંને અર્થતંત્રોમાં 6,00,000 નોકરીઓનું સર્જન કરી રહ્યું છે. UK અને ભારત એક વેપાર સોદા પર વાટાઘાટ કરી રહ્યા છે. જેથી આર્થિક વૃદ્ધિને વેગ આપી શકાય. આ પ્રસંગે વેપાર અને વાણિજ્ય પ્રધાન જોનાથન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, “G-20માં વૈશ્વિક સ્તરે સૌથી વધુ જોડાયેલ અર્થતંત્રોમાંના એક તરીકે, UKએ ભારતીય વ્યવસાયોને આગળ વધવા માટે અજોડ તકો પ્રદાન કરી છે.”રોકાણને પ્રોત્સાહન આપવું એ UK સરકારનું મુખ્ય મિશન છે. આથી જ તેમણે ભારતીય વ્યાપારી આગેવાનો સાથે સીધો સંવાદ કર્યો. તેમાંથી ઘણા લોકોએ UK સરકારને વિશ્વાસનો મત આપ્યો અને ત્યાં રોકાણ કરવાનું પસંદ કર્યું.
પ્રતિનિધિમંડળના નેતા, સુનિલ ભારતી મિત્તલ KBE, CIIના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભારતી એન્ટરપ્રાઇઝિસના સ્થાપક અને અધ્યક્ષે જણાવ્યું હતું કે, “આ વેપારી પ્રતિનિધિમંડળ એક નિર્ણાયક ક્ષણે બેઠક માટે આવ્યું છે. કારણ કે ભારત સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે અને તેને 2027 સુધીમાં 5 ટ્રિલિયન US$ સુધી પહોંચવાની અપેક્ષા છે.”