નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન (PIL)ને ફગાવી દીધી, જેમાં દેશભરમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20)ની વેચાણ વ્યવસ્થા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે આ અરજી પર સુનાવણી કરતાં જણાવ્યું હતું કે તેમાં હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂરિયાત નથી.
અરજીકર્તાએ આક્ષેપ કર્યો હતો કે લાખો મોટરચાલકોને એવું ઇંધણ વાપરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યું છે, જે તેમની ગાડીઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું નથી. અરજદાર તરફથી અનેક દિશા-નિર્દેશોની માગ કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે પેટ્રોલ પંપ પર ઇથેનોલ-ફ્રી પેટ્રોલ ઉપલબ્ધ કરાવવું, તમામ પંપ અને ડિસ્પેન્સિંગ યુનિટ્સ પર સ્પષ્ટ લેબલ લગાવવું, ગ્રાહકોને તેમના વાહનની ફ્યુઅલ-સંગતતા વિશે માહિતી આપવી અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019 હેઠળ યોગ્ય સલાહનામું બહાર પાડવાની માંગનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત અરજીમાં એ પણ માગ કરવામાં આવી હતી કે સરકાર દેશભરમાં એક અભ્યાસ (સ્ટડી) કરે જેથી જાણી શકાય કે E20 ફ્યુઅલને કારણે નોન-કમ્પેટિબલ વાહનોમાં કેટલું મિકેનિકલ નુકસાન અને કાર્યક્ષમતા ઘટી રહી છે.
અરજદારએ કોર્ટમાં શું કહ્યું?
આ સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ શાદાન ફરાસતે કોર્ટને કહ્યું કે કોઈ નોટિસ કે જાહેરનામા વિના માત્ર E20 ફ્યુઅલ જ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અરજદાર E20ને દૂર કરવાની માગ કરી રહ્યો નથી, પરંતુ ગ્રાહકોને વિકલ્પ આપવાની હું અપીલ કરી રહ્યો છે.
કેન્દ્રની પ્રતિક્રિયા શું રહી?
એટર્ની જનરલે અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે સરકારે તમામ પાસાંઓ પર વિચાર કર્યો છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે શું બહારથી કોઈ આવીને નક્કી કરશે કે ભારતમાં કયું પેટ્રોલ વપરાશે? તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇથેનોલ મિશ્રણથી શેરડીના ખેડૂતોને મોટો લાભ મળ્યો છે અને આ વ્યવસ્થા દૂર કરવાની માગ યોગ્ય નથી. કોર્ટે અરજી ફગાવીને જણાવ્યું કે આ મામલે વધુ કોઈ આદેશ આપવાની જરૂર નથી.
