પટનાઃ ચૂંટણી રાજ્ય બિહારમાં ઘમસાણ આ બાબતને લઈને મચ્યું છે કે ચૂંટણી પંચ ત્યાં મતદાર યાદીનું વેરિફિકેશન કેમ કરાવી રહ્યો છે? આ મુદ્દે વિપક્ષી પક્ષોના મોટા નેતાઓએ બુધવારે ચૂંટણી પંચની મુલાકાત લીધી, પરંતુ જેટલો પરેશાન વિપક્ષ છે, એટલી જ ચિંતા કેટલાક અંશે NDAના સહયોગી પક્ષોમાં પણ જોવા મળી રહી છે.
વિપક્ષે પ્રશ્ન ઉઠાવ્યો છે કે મતદાર યાદીની ચકાસણીનું એવું કાર્ય જે છેલ્લાં 22 વર્ષમાં નહીં થયું, તે હવે કેમ કરવામાં આવી રહ્યું છે? વિપક્ષનો આરોપ છે કે જે પ્રકારના દસ્તાવેજો લોકો પાસેથી માગવામાં આવી રહ્યા છે અને જ્યારે ચૂંટણીમાં માત્ર થોડા જ મહિનાનો સમય બચ્યો છે, ત્યારે લોકોને આ દસ્તાવેજો પૂરા પાડવામાં તકલીફ થશે અને તેનું પરિણામ એ થશે કે બિહારના બેથી ત્રણ કરોડ મતદારો મત નહીં આપી શકે.
કોંગ્રેસે સવાલ કર્યો છે કે શું 2003માં મતદાર યાદીની છેલ્લી સુધારણા બાદ યોજાયેલી બધી ચૂંટણી ખોટી હતી? તેજસ્વી યાદવે કહ્યું છે કે એવું લાગે છે કે ચૂંટણી પંચ હવે ભાજપનો પંચ બની ગયો છે.
આ ચિંતા ફક્ત વિપક્ષમાં જ નથી, NDAના કેટલાક સહયોગી પક્ષો પણ ચૂંટણી પંચના આ નિર્ણય અંગે દબાયેલા અવાજે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ભાજપ, જેડીયુ અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અનેક નેતાઓએ વાતચીતમાં શંકા વ્યક્ત કરી છે કે શું આટલા ઓછા સમયમાં પંચ આ કાર્ય પૂરું કરી શકશે?
મતદાર યાદીના વેરિફિકેશનનું આ કાર્ય 25 જૂનથી શરૂ થયું હતું અને તેને 25 જુલાઈ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક પંચે રાખ્યો છે.
