ચૂંટણી ખર્ચની મર્યાદા મુદ્દે કેન્દ્ર, ચૂંટણી પંચને ‘સુપ્રીમ’ નોટિસ

નવી દિલ્હીઃ ચૂંટણી ખર્ચની મર્યાદા નક્કી કરવાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય ચૂંટણી પંચને નોટિસ જારી કરી છે. રાજકીય પક્ષોના ચૂંટણી ખર્ચ પર મર્યાદા નક્કી કરવાની માગ સાથે દાખલ કરાયેલી જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને જવાબ આપવા જણાવ્યું છે. આ જનહિત અરજી બિનસરકારી સંસ્થા  કોમન કોઝ દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા મની પાવરના બેફામ ઉપયોગને પડકારવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે આ મામલાને છ સપ્તાહ બાદ સુનાવણી માટે મૂકી હતી અને સંબંધિત પક્ષોને પોતાનો જવાબ રજૂ કરવા કહ્યું છે. અરજદાર પક્ષ તરફથી વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા મની પાવરનો અનિયંત્રિત ઉપયોગ લોકશાહીની પાયાને અસર કરે છે અને ચૂંટણી પ્રક્રિયાને અસંતુલિત બનાવે છે. તેમણે કોર્ટને યાદ અપાવ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ મામલામાં સુપ્રીમ કોર્ટે પહેલેથી જ માન્ય રાખ્યું છે કે અનિયંત્રિત મની પાવર લોકતંત્રની પ્રક્રિયાને વિકૃત કરે છે અને મતદાતાઓના માહિતીના અધિકારને અસર કરે છે.

આ સુનાવણી દરમિયાન જસ્ટિસ જોય માલ્યા બાગચીએ મની પાવરના દુરુપયોગને અટકાવવા સંબંધિત વ્યવહારુ પડકારો પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા જેવા દેશોમાં પણ ચૂંટણી ખર્ચ પર મર્યાદાઓ છે, પરંતુ ત્યાં પણ ઉમેદવારોના મિત્રો, સહયોગીઓ અથવા તૃતીય પક્ષ મારફતે ખર્ચ થવા જેવી સમસ્યાઓ સામે આવી છે.