બેંગલુરુઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023માં પાકિસ્તાનનો હવે પછી મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થવાનો છે. આ મેચ 20 ઓક્ટોબરના શુક્રવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે. પરંતુ એ પૂર્વે પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ વાઈરલ ફીવરનો શિકાર બન્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેના મોટા ભાગના ખેલાડીઓ સાજા થઈ ગયા છે. આમાં કેપ્ટન બાબર આઝમ અને સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ અફરિદીનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન અત્યાર સુધીમાં ત્રણ મેચ રમ્યું છે જેમાં બે જીત્યું છે અને ભારત સામે હાર્યું છે. બીજી બાજુ, ઓસ્ટ્રેલિયા ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની મેચો હાર્યું છે અને શ્રીલંકા સામે જીત્યું છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મીડિયા મેનેજર એહસાન ઈફ્તિખાર નેગીએ કહ્યું છે, પાકિસ્તાની ક્રિકેટરો ગયા રવિવારે બેંગલુરુમાં આવી પહોંચ્યા બાદ બીમાર પડી ગયા હતા. એમાંના મોટા ભાગના સાજા થઈ ગયા છે. અમુક હજી ડોક્ટરના નિરીક્ષણ હેઠળ છે. ટીમે ગઈ કાલે સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાથી બેંગલુરુમાં વાઈરલ ફીવરના અનેક કેસ નોંધાયા છે. હવામાનમાં ફેરફાર થવાને કારણે આ તકલીફ ઊભી થઈ હોવાનું મનાય છે.