ગિલ પર ભરોસો છે એટલે જ એને કેપ્ટન બનાવ્યો છેઃ નેહરા (ગુજરાત ટાઈટન્સના કોચ)

અમદાવાદઃ આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની ગુજરાત ટાઈટન્સ ટીમના વડા કોચ આશિષ નેહરાએ કહ્યું છે કે ફ્રેન્ચાઈઝીને ઓપનર શુભમન ગિલની નેતૃત્ત્વ ગુણવત્તામાં પૂરો ભરોસો હોવાથી જ એને ટીમનો કેપ્ટન બનાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગિલને હાર્દિક પંડ્યાની જગ્યાએ ગુજરાત ટાઈટન્સ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જોડાઈ ગયો છે અને તેનો કેપ્ટન નિમાયો છે.

નેહરાએ કહ્યું કે, ‘આઈપીએલ એક આક્રમક રમત છે અને આ સ્પર્ધા તમામ ખેલાડીઓ માટે પડકારો લાવનારી છે. સર્વશ્રેષ્ઠ કેપ્ટન માટે પણ. અમે શુભમન ગિલને ત્રણ-ચાર વર્ષથી રમતો જોયો છે અને એણે પણ પોતાને ઘણો સુસજ્જ કર્યો છે. એ યુવાન વયનો છે. અમે એનું સમર્થન કરીએ છીએ. અમને એની પર પૂરો ભરોસો છે, માટે જ અમે એને કેપ્ટન બનાવ્યો છે. હું એવા લોકો જેવો નથી જેઓ કાયમ પરિણામો પર જ આધાર રાખીને ચાલે છે. બીજી પણ ઘણી બાબતો હોય છે. એટલું ખરું કે દરેક ખેલાડી સારો પ્રયત્ન કરતો હોય છે અને પરિણામની તલાશમાં રહેતો હોય છે. પરંતુ જ્યારે વાત સુકાનીપદની આવે ત્યારે તમારે બીજી ઘણી બાબતો પણ જોવી જોઈએ. અમને પૂરો વિશ્વાસ છે કે ગિલ ગુજરાત ટાઈટન્સની આગેવાની માટે યોગ્ય ખેલાડી છે.’