કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં સભા સંબોધી

લોકસભા બેઠક ઉપર INDIA ગઠબંધનના ઉમેદવાર તરીકે ધારાસભ્ય અનંત પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. આજે અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં સભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે,સરકાર સંવિધાનને બદલવાની વાત કરે છે, સંવિધાને જ આપણને અધિકાર આપ્યો છે, આનો એક જ મતલબ છે કે તેઓ લોકતંત્રને કમજોર બનાવવા માગે છે જનતાને કમજોર બનાવવા માગે છે, 10 વર્ષમાં સરકારે દલિતો કે આદિવાસી કે સામાન્ય જનતાને મજબુત કરવાનું કોઈ કામ કર્યું નથી. ફક્ત તેઓને કમજોર કરવાનું કામ કર્યું છે.આજે સમગ્ર દેશમાં આદિવાસી સમાજ પોતાના હક માટે લડી રહ્યો છે.

મોદી સરકારની જેમ ઘમંડ નથી કરતા

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, અમારા ચૂંટણી ઢંઢેરાનું નામ ન્યાય પત્ર આપ્યું છે, કેમ કે, છેલ્લા 10 વર્ષમાં ખાલી અન્યાય જ થઈ રહ્યો છે. આજે દેશમાં તમામ લોકોને ન્યાય જોઈએ છે. અમે ઘણી બધી ગેરેન્ટી લઈ આવ્યાં છીએ. અમારી જ્યા જ્યા સરકાર છે ત્યા ત્યા અમે જે જે ગેરેન્ટી આપી છે તે બધી પુરી કરી છે. કોરોનાના સમયમાં યુપી અને બિહારના કેટલાય લોકો ફસાઈ ગયા હતા, લોકોને ગુજરાતથી પોતાના વતનમાં જવા માટે ખુબ તકલીફ પડી હતી. ભાજપ સરકાર ચૂંટણીઓ આવે ત્યારે જ પેટ્રોલ-ડિઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ ઓછા કરે છે. કમર તોડ મોંઘવારીને અમે કંટ્રોલમાં કરીશું. ભાજપના નેતાઓ કહે છે કે, મોદીજીમાં એટલી તાકાત છે કે આખુ વિશ્વ એમને બોલાવે છે એ ધારે એ ચપટીમાં કરી શકે છે, તો ચપટીમાં મોંઘવારી ઓછી કેમ ન કરી? ચપટીમાં તમને પાણી કેમ ન આપ્યુ? અમે સત્તામાં જીવ્યા છીએ એટલે સત્તાને સમજીએ છીએ. મોદી સરકારની જેમ ઘમંડ નથી કરતા.