અમદાવાદઃ વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે ગઈ કાલે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગયેલી પાંચમી અને સિરીઝ-નિર્ણાયક ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 36-રનથી હરાવીને સિરીઝ 3-2થી જીતી લીધી. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળતાં ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં કેપ્ટન વિરાટ કોહલીના અણનમ 80, વાઈસ કેપ્ટન રોહિત શર્માના 64 (બંને વચ્ચે 94-રનની ઓપનિંગ ભાગીદારી)ની મદદથી 2 વિકેટે 224 રનનો સ્કોર ખડો કર્યો હતો. તેના જવાબમાં, ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 188 રન જ બનાવી શકી હતી. ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર અત્યંત અસરકારક બોલિંગ કરી હતી અને 4 ઓવરમાં માત્ર 15 રન આપી બંને ઓપનરની વિકેટ લીધી હતી. જેસન રોયને તો એણે દાવના બીજા જ બોલમાં ક્લીન બોલ્ડ કર્યો હતો. આ પરફોર્મન્સ બદલ ભૂવીને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો (રૂ. 1 લાખનું ઈનામ). જ્યારે સમગ્ર સિરીઝમાં 231 રન કરનાર કોહલીને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરાયો હતો (રૂ. અઢી લાખનું ઈનામ). કારકિર્દીમાં તેણે આ છઠ્ઠી વખત ‘પ્લેયર ઓફ ધ સિરીઝ/ટૂર્નામેન્ટ’ એવોર્ડ જીત્યો છે. કોહલીનો આ વર્લ્ડ રેકોર્ડ છે. ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં ભારતનો આ સતત છઠ્ઠો શ્રેણીવિજય છે. ભારતીય ટીમ છેલ્લી આઠ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ શ્રેણીઓમાં અપરાજિત રહી છે. હવે બંને ટીમ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે 3-મેચોની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણી રમશે. આ મેચો 23, 26 અને 28 માર્ચે રમાશે.
ગઈ કાલની મેચમાં કોહલીએ કે.એલ. રાહુલને ઈલેવનમાંથી પડતો મૂક્યો હતો અને એની જગ્યાએ પોતે જ રોહિત શર્મા સાથે દાવનો આરંભ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. એનો નિર્ણય સફળ રહ્યો હતો. એણે કહ્યું છે કે હું હવે આઈપીએલ સ્પર્ધામાં પણ ઓપનિંગમાં બેટિંગ કરીશ. ભૂતકાળમાં મેં જુદા જુદા સ્થાન પર બેટિંગ કરી છે, પરંતુ મને લાગે છે કે અમારું મિડલ ઓર્ડર હવે મજબૂત બની ગયું છે. તેથી હવે હું રોહિતના જોડીદાર તરીકે રમીશ.
(ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહ દ્વારા શ્રેણીવિજેતા ભારતીય ટીમને અભિનંદન)
Congratulations #TeamIndia
Beating the world no. 1 side 3-2 is a memorable achievement. Through the bubble life, the team has come together and created moments to cheer up the nation 🇮🇳🙏🏻#IndvsEng— Jay Shah (@JayShah) March 20, 2021
(તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ, આઈસીસી, વિરાટ કોહલી, ભૂવનેશ્વર કુમાર ટ્વિટર એકાઉન્ટ)