જમૈકાને કોરોના-રસી મોકલીઃ ગેઇલે મોદીનો આભાર માન્યો

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના રસી બની ચૂકી છે અને દેશમાં કોરોના રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ભારતે વિદેશોમાં પણ કોરોના રસી મોકલવાની ઝુંબેશ શરૂ કરી છે. ભારતે જમૈકામાં પણ કોરોના વાઇરસની રસી મોકલી છે, જેથી ત્યાંના ક્રિકેટરોએ ભારત સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. આ લિસ્ટમાં હવે ક્રિસ ગેઇલનું નામ પણ સામેલ થયું છે. ક્રિસ ગેઇલ સહિત અનેક કેરેબિયન ક્રિકેટરોએ મોદીનો આભાર માન્યો હતો.

વેસ્ટ ઇન્ડીઝ ટીમના ડાબોડી બેટસમેન ક્રિસ ગેઇલે વિડિયો જારી કરતાં કહ્યું છે કે વડા પ્રધાન મોદી, ભારત સરકાર અને ભારતની જનતા- હું બધાનો જમૈકા માટે રસી દાનમાં આપવા બદલ આભાર માનું  છું. હું એની પ્રશંસા કરું છું. બધાનો આભાર. હું ભારતને પ્રેમ કરું છું અને જલદી ભારત આવી રહ્યો છું.

ક્રિસ ગેઇલ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલની 14મી સીઝન માટે ભારત આવી રહ્યો છે., કેમ કે એપ્રિલમાં આઇપીએલ શરૂ થવાની છે. ભારતમાં ક્રિસ ગેઇલને ઘણો પસંદ કરવામાં આવે છે, કેમ કે તેની બેટિંગની શૈલી આક્રમક છે.

ક્રિસ ગેઇલે જ નહીં પણ વેસ્ટ ઇન્ડીઝના કેટલાય મહાન ક્રિકેટરોએ પણ વડા પ્રધાન મોદી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે, કેમ કે રસીની એક મોટી ખેપ કેન્દ્ર સરકારે કેરેબિયન લોકો માટે મોકલી છે. ભારત સરકારે અત્યાર સુધી કોરોના રસીને એક ડઝનથી વધુ દેશોને દાનમાં આપી છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]