દુબઈઃ કોરોના કાળમાં ક્રિકેટરસિયાઓ માટે સારા સમાચાર છે. દેશમાં કોરોના વાઇરસના વધતા કેસોને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું સંયુક્ત આરબ અમીરાત (UAE)માં આયોજન કરવાની અટકળો વચ્ચે દુબઈ સિટીના ક્રિકેટ અને કોમ્પિટિશનના પ્રમુખ સલમાન હનીફે કહ્યું છે કે તેઓ આ પ્રકારની મોટી ટુર્નામેન્ટનું તમામ સુવિધાઓ સાથે આયોજન કરવા તૈયાર છે. IPLનું આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં?
IPLનું આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરવામાં આવે એવી સંભાવના છે, કેમ કે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમ્યાન ઓસ્ટ્રેલિયામાં થનારી T20 વર્લ્ડ કપના આયોજન અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે.
દુબઈ T20 લીગના સંભવિત સ્થળ તરીકે તૈયાર
હનીફે ગલ્ફ ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું હતું કે દુબઈ સ્પોર્ટ્સ સિટી આ T20 લીગના સંભવિત સ્થળ તરીકે તૈયાર છે. સ્પોર્ટ્સ સિટીમાં દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અને ICC એકેડેમી સામેલ છે. તેમણે કહ્યું હતું કે જો ઓછા સમયમાં વધુ મેચોનું આયોજન કરવામાં આવે છે તો સ્ટેડિયમમાં નવ વિકેટ બહુ સારી સ્થિતિમાં છે. અમે પિચને તાજી રાખવા માટે અન્ય મેચોનું આયોજન નહીં કરીએ.
UAEમાં કોરોના વાઇરસના 50,000થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 300થી વધુ લોકોનાં મોત થયાં છે. દેશમાં આ આંકડો 10 લાખને પાર થઈ ચૂક્યો છે અને 25,000થી વધુ લોકોનાં મોત થયાં છે.
