બોયકોટની કમેન્ટથી જ્યારે પટૌડી ગુસ્સે થઈ ગયા હતાઃ સૈફ અલી ખાન

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાને જાણકારી આપી છે કે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જ્યોફ બોયકોટે કરેલી કમેન્ટ્સને કારણે એના પિતા – દંતકથા સમાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડી ગુસ્સે ભરાઈ ગયા હતા.

સૈફ અલી ખાને સ્પોર્ટ્સકીડા ન્યૂઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘જ્યોફ બોયકોટ ઉપર આમ તો મને બહુ માન છે, પણ એક વાર એણે મને ખરેખર ગુસ્સે કરી દીધો હતો. એમણે મને કહ્યું હતું: ‘મેં તારા પિતા વિશે સાંભળ્યું છે, એક આંખ સાથે ટેસ્ટ ક્રિકેટ રમવું શક્ય જ ન બને.’ મેં એમને પૂછ્યું હતું કે, તો શું તમે માનો છો કે મારા પિતા જૂઠ્ઠું બોલે છે? તો એના જવાબમાં બોયકોટે કહ્યું, હા, મને લાગે છે કે એમણે બધું ઉપજાવી કાઢ્યું છે.’

‘મેં આ વાત મારા પિતાને કરી હતી તો એ ખરેખર બહુ જ ગુસ્સે થઈ ગયા હતા. એમણે કહ્યું હતું, હું બે આંખે ખતરનાક સારું રમતો હતો અને એક આંખથી માત્ર સારું રમતો હતો. મારા પિતાને મેં જિંદગીમાં તે માત્ર એક જ વાર ઉદ્ધત રીતે બોલતા સાંભળ્યા હતા,’ એમ સૈફ અલીએ કહ્યું.

નવાબ ઓફ પટૌડી – સ્વ. મન્સૂર અલી ખાન ભારતના મહાન કેપ્ટન તરીકે ઓળખાય છે. એમણે 21 વર્ષની ઉંમરે સુકાનીપદ સંભાળ્યું હતું. એના માત્ર બે જ મહિના પહેલાં એક કાર અકસ્માતમાં તેઓ એમની જમણી આંખની રોશની કાયમને માટે ગુમાવી બેઠા હતા. પટૌડી ભારત વતી 46 ટેસ્ટ મેચ રમ્યા હતા જેમાંની 40માં એમણે સુકાન સંભાળ્યું હતું. એમના સુકાન હેઠળ ભારતે 9 ટેસ્ટ મેચ જીતી હતી.

સૈફે સ્પોર્ટ્સકીડા કાર્યક્રમમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘જો મારા પિતાએ ઈચ્છ્યું હોત તો તેઓ ક્રિકેટ પ્રવાસમાં જોડાયા ન હોત. એમણે સીધું કહી દીધું હોત કે હું પ્રવાસમાં જોડાઈ શકું એમ નથી. ઊલટાનું, એમણે કહ્યું હતું કે જિંદગી એક રમત જ છે. બાદમાં, 60ના દાયકામાં એમનો ક્રિકેટમાંથી રસ એટલા માટે ઉતરી ગયો હતો કે એમને લાગ્યું હતું કે પોતે ઘણું બધું ક્રિકેટ રમી લીધું છે.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]