મોટા ભાઈને કોરોના થયો; ગાંગુલીએ પોતાને કર્યા હોમ ક્વોરન્ટાઈન

કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવારમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. જેને પગલે ગાંગુલીએ પોતાને હોમ ક્વોરન્ટાઈન કર્યા છે. સૌરવ ગાંગુલીના મોટા ભાઈ અને બંગાળ ક્રિકેટ એસોસિયેશનના સંયુક્ત સચિવ સ્નેહાશીષ ગાંગુલીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

બંગાળ રણજી ટીમના પૂર્વ ખેલાડી રહી ચૂકેલા સ્નેહાશીષ કોરોના પોઝિટિવ હોવાનું માલૂમ પડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને છેલ્લા કેટલાક દિવસોથી તાવ આવતો હતો અને આજે તેમનો ટેસ્ટ કરવામાં આવતા તે કોરોના પોઝિટિવ આવ્યો હતો. હેલ્થ પ્રોટોકોલને પગલે એક ચોક્કસ સમય સુધી ગાંગુલીને હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે.

મહત્વનું છે કે, આ પહેલા જૂનમાં સ્નેહાશીષ કોરોના સંક્રમિત હોવાના સમાચાર આવ્યા હતા પણ એ સમયે સ્નેહાશીષે પોતે સંપૂર્ણ સ્વસ્થ હોવાનું કહ્યું હતું. સૌરવ દાદાની જેમ સ્નેહાશીષ પણ એક ક્રિકેટર હતા. બંગાળ માટે પ્રથમ શ્રેણીની તેઓ 59 મેચો રમ્યા હતા, જોકે, તેમને કદી રાષ્ટ્રીય ટીમ તરફથી રમવાની તક મળી નહતી.