H-1B વિઝા પ્રતિબંધઃ ટ્રમ્પ વિરુદ્ધ કોર્ટમાં ગયા 174 ભારતીયો

વોશિંગ્ટનઃ H-1B વિઝા પર હાલમાં આવેલા એક વહીવટી આદેશની સામે સાત સગીર સહિત 174 ભારતીય નાગરિકોના એક જૂથે કેસ દાખલ કર્યો છે. આ આદેશ હેઠળ તેમના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લાગી શકે છે અથવા તેમને વિઝા જારી કરવામાં નહીં આવે.

શ્રમ પ્રધાન યુઝિન સ્કાલિયાને સમન્સ જારી

ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયામાં અમેરિકી ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ કિટાનજી બ્રાઉન જેક્સને વિદેશપ્રધાન માઇક પોમ્પિયો અને ગૃહ વિભાગના કાર્યકારી પ્રધાન ચાડ એફ વોલ્ફની સાથે શ્રમ પ્રધાન યુજીન સ્કેલિયાને સમન્સ જારી કર્યા છે. આ કેસ મંગળવારે અમેરિકી ડિસ્ટ્રિકક્ટ કોર્ટમાં દાખલ કર્યો હતો.

અમેરિકાના અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે

વકીલ વાસ્ડેન બેનિયાસે 174 ભારતીય નાગરિકો દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં કહ્યું હતું કે H-1B કે H-4 વિઝા પર પ્રતિબંધનો વહીવટી આદેશ અમેરિકાના અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. પરિવારોને અલગ કરી શકે છે.

આ કેસમાં H-1B અથવા H-4 વિઝા જારી કરવા પર પ્રતિબંધ લગાવવા અથવા નવા H-1B વિઝાધારકોને દેશમાં પ્રવેશ કરવાથી રોકવાવાળા વહીવટી આદેશને ગેરકાયદે જાહેર કરવાની માગ કરવામાં આવી છે. આ સાથે કોર્ટને અનુરોધ કરવામાં આવ્યો છે કે કોર્ટ વિદેશ વિભાગને H-1B અને H-4 વિઝા માટે લંબાઈ ગયેલા ચુકાદા માટે નિર્દેશ જારી કરે.

હંગામી ધોરણે પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 22 જૂને વહીવટી આદેશને જારી કરીને આ વર્ષના અંત સુધીમાં H-1B કાર્ય વિઝા જારી કરવા પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂક્યો હતો.