ટ્વિટરની બેદરકારીઃ વિશ્વના દિગ્ગજોના એકાઉન્ટ્સ હેક થયા

સેનફ્રાન્સિસ્કોઃ અમેરિકાની માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સર્વિસ પૂરી પાડનાર ટ્વિટરની સુરક્ષા વ્યવસ્થામાં બુધવારે અભૂતપૂર્વ ગાબડું પડ્યું હતું. અનેક જાણીતી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેક થયા હતા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ સહિત વિશ્વના અનેક દિગ્ગજોના ટ્વિટર એકાઉન્ટ્સને હેક કરવામાં હતા. ત્યારબાદ ટ્વિટરે બ્લૂ ટિક વાળા તમામ અકાઉન્ટ્સને અનેક કલાકો સુધી બંધ કર્યા હતા. એકાઉન્ટ્સ હેક કરાયા બાદ તમામ એકાઉન્ટ્સ પર ટ્વીટ કરીને બિટકોઈનના રુપમાં હેકર દ્વારા પૈસા માંગવામાં આવ્યા હતા. જો કે, આ મુશ્કેલીને હવે દૂર કરી દેવામાં આવી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, અમેઝોનના સીઈઓ જૈફ બેઝોસ, ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન, માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ સહિત કેટલાય દિગ્ગજોના ટ્વીટર એકાઉન્ટ્સને એક સાથે હેક કરી લેવામાં આવ્યા હતા. દરેક વ્યક્તિના એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે, તમે બિટકોઈન દ્વારા અમને પૈસા મોકલો અમે આપને ડબલ પૈસા આપીશું. તે ઉપરાંત લખવામાં આવ્યું હતું કે, હવે એ સમય આવી ગયો છે કે અમે સમાજમાંથી જે કમાયા છીએ એ તેને પાછું આપીએ. આ ટ્વીટ સાથે બિટકોઈન દ્વારા પૈસા આપવાની વાત કહેવામાં આવી હતી. બિલ ગેટ્સના ટ્વીટર અકાઉન્ટ પર કહેવામાં આવ્યું હતું કે, મને હવે લોકો કહી રહ્યા છે કે, સમાજને પાછું આપવાનો સમય છે ત્યારે હું કહેવા માંગુ છું કે, આવનારી 30 મિનિટમાં મને જે પેમેન્ટ મોકલવામાં આવશે તેનું ડબલ હું પાછું આપીશ. આપ 1000 ડોલરના બિટકોઈન મોકલો હું 2000 ડોલર પાછા મોકલીશ. આવડી મોટી પ્રોફાઈલ્સ પરથી આ પ્રકારના ટ્વીટ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ વિશ્વાસમાં આવી જાય. સાયબર સુરક્ષાના પ્રમુખ અલ્પેરોવિચનું કહેવું છે કે, સામાન્ય માણસોને કેટલીક હદ સુધી નુકસાન પહોંચ્યું છે. હેકર્સે આશરે 300 લોકો પાસેથી 1 લાખ 10,000 ડોલરના બિટકોઈન લીધા છે. ટ્વિટરના સીઈઓ જેક ડોર્સે બાદમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે, ટ્વિટર માટે આજનો દિવસ ખૂબ કપરો હતો. જે હેકિંગ થયું તેને અમે રોકવાનો પ્રયત્ન કર્યો છે. એને લીધે કેટલાય એકાઉન્ટ્સને કામચલાઉ બંધ કરી દેવામાં આવ્યા હતા. હેકિંગ કેવી રીતે થયું અને તેની પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ કરવામાં આવી રહી છે.