ગુજરાતમાં આવતીકાલથી જનગણનાનો મહાજંગ

ગુજરાત રાજ્યમાં આવતીકાલે એટલે કે 1 June 2026 ના રોજ એક ઐતિહાસિક અને વ્યાપક રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના સીધા માર્ગદર્શન હેઠળ ‘વસ્તી ગણતરી-2027’ ના પ્રથમ તબક્કાની સત્તાવાર શરૂઆત થશે. ભારતની આ 16મી અને આઝાદી પછીની 8મી જનગણના છે, જેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત પરંપરાગત કાગળ-પેનના બદલે સંપૂર્ણપણે ડિજિટલ અને હાઈટેક પદ્ધતિથી ઓપરેટ કરવામાં આવશે. આ આંકડાઓ આગામી સમયમાં દેશ અને રાજ્યની વિકાસ નીતિઓ, જનકલ્યાણ યોજનાઓ અને આર્થિક માળખું નક્કી કરવામાં ચાવીરૂપ સાબિત થશે.

એક મહિનો ચાલશે હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા

વસ્તી ગણતરીનો આ પ્રથમ તબક્કો 1 June થી 30 June 2026 સુધી એટલે કે આખો મહિનો સક્રિય રહેશે. આ સમયગાળા દરમિયાન નિયુક્ત કરાયેલા ગણતરીદારો રાજ્યના ખૂણે-ખૂણે આવેલા દરેક ઘર અને મકાનની રૂબરૂ મુલાકાત લેશે અને ‘હાઉસ લિસ્ટિંગ ઓપરેશન’ (HLO) ની કામગીરી પૂર્ણ કરશે. નાગરિકો પાસેથી તેમના આવાસની ભૌતિક સ્થિતિ, કુટુંબના સભ્યોની પ્રાથમિક વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા, વીજળી અને ઇન્ટરનેટનું જોડાણ, વાહનો તેમજ ઘરેલુ સાધનો સહિત કુલ 33 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સચોટ માહિતી એકત્રિત કરવામાં આવશે.

બીજા તબક્કામાં ઐતિહાસિક જાતિ ગણતરી

આ મહાઅભિયાનનો બીજો તબક્કો 9 February થી 28 February 2027 દરમિયાન યોજાશે. આ ગાળામાં દેશની વાસ્તવિક વસ્તી, સામાજિક પરિસ્થિતિ અને મોટો બદલાવ લાવનારી જાતિ સંબંધિત માહિતી એકઠી કરાશે. કેન્દ્ર સરકારે જનગણનાના ઇતિહાસમાં પ્રથમ વાર વસ્તીની સાથે જાતિ ગણતરીનો પણ સમાવેશ કર્યો હોવાથી આ વખતનું અભિયાન વધુ લોકાભિમુખ અને ચર્ચાસ્પદ બન્યું છે.

બીજી તરફ, ગુજરાતમાં 17 May 2026 થી શરૂ થયેલી ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) ની ઓનલાઈન પ્રક્રિયાને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ પોતે ઓનલાઈન ફોર્મ સબમિટ કરીને આમાં ભાગ લીધો છે. પ્રાપ્ત આંકડા મુજબ, 30 May 2026 સુધીમાં રાજ્યના 3.74 લાખથી વધુ જાગૃત નાગરિકોએ ડિજિટલ સ્વ-ગણતરી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી 3.30 લાખથી વધુ અરજીઓ વેરિફાય થઈ ગઈ છે.

1 લાખથી વધુ ડિજિટલ સૈનિકો મેદાનમાં

આ વિશાળ પ્રક્રિયાને સુચારુ રૂપે પાર પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા માઇક્રો-પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કુલ 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ વિગતો ડિજિટલી અપલોડ કરવા માટે 1,09,038 ગણતરીદારો અને તેમની ઉપર મોનિટરિંગ માટે 18,254 સુપરવાઈઝરોની ફૌજ મેદાનમાં ઉતારવામાં આવી છે. આ તમામ સ્ટાફને ટેકનોલોજીકલ ઉપકરણો અને એપ્લિકેશન હેન્ડલિંગ માટે 3 તબક્કાની ખાસ તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે.

મોબાઈલ એપ્લિકેશન અને ઓફલાઈન મોડ

સમગ્ર ડેટા એન્ડ્રોઇડ અને iOS ઓપરેટિંગ સિસ્ટમ આધારિત ખાસ તૈયાર કરાયેલી સ્માર્ટ એપ્લિકેશન દ્વારા સ્ટોર કરવામાં આવશે. આ એપ્લિકેશન ગુજરાતી સહિત ભારતની 16 સત્તાવાર ભાષાઓમાં ઓપરેટ થઈ શકે છે. અંતરિયાળ ગામડાઓમાં નેટવર્કની સમસ્યાને ધ્યાનમાં રાખીને એપ્લિકેશનમાં ઓફલાઈન ડેટા એન્ટ્રીની પણ વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે.

માહિતીની ગુપ્તતાની કાયદાકીય ગેરંટી

વસ્તી ગણતરી નિયામક કચેરી દ્વારા નાગરિકોને આશ્વસ્ત કરવામાં આવ્યા છે કે જનગણના દરમિયાન અપાતી તમામ વ્યક્તિગત માહિતી જનગણના અધિનિયમ-1948 અને જનગણના નિયમો-1990 ની જોગવાઈઓ હેઠળ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ ડેટાનો ઉપયોગ ક્યારેય કોઈ ટેક્સ આકારણી, અદાલતી કેસ કે અન્ય કોઈ કાયદાકીય તપાસ માટે પુરાવા તરીકે કરી શકાશે નહીં.

તંત્ર દ્વારા જણાવાયું છે કે, કાયદાની રૂએ દરેક વ્યક્તિએ સાચી માહિતી આપવી અનિવાર્ય છે. ખોટી વિગતો આપવી કે ગણતરીનો ઇનકાર કરવો એ દંડનીય ગુનો બને છે. આ પ્રક્રિયાને લગતી કોઈપણ મૂંઝવણ કે શંકાના નિવારણ માટે ભારત સરકાર દ્વારા એક સેન્ટ્રલ હેલ્પલાઈન નંબર 1855 પણ શરૂ કરાયો છે, જેના પર સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકાશે.