T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાનું એલાન

નવી દિલ્હીઃ ICC વુમન્સ T20 વર્લ્ડ કપ 2026નો પ્રારંભ આવતા મહિને થવાનો છે. તાજેતરમાં યજમાન ઇંગ્લેન્ડ અને ન્યુ ઝીલેન્ડે પોતાની ટીમોની જાહેરાત કરી હતી. આ દરમિયાન ત્રીજી ટીમ તરીકે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCI એ બીજી મેએ ટુર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. ગયા વર્ષે ભારતીય ટીમે પ્રથમ વખત ODI વર્લ્ડ કપ જીત્યો હતો અને હવે ટીમનું લક્ષ્ય પોતાનો પહેલો T20 વર્લ્ડ કપ જીતવાનું છે.

મુંબઈ સ્થિત BCCI હેડક્વાર્ટરમાં થયેલી પસંદગી સમિતિની બેઠકમાં 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી. અગાઉની જેમ આ વખતે પણ હરમનપ્રીત કૌરને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે, જ્યારે સ્મૃતિ મંધાનાને ઉપકપ્તાન બનાવવામાં આવી છે. બેટિંગ લાઇનઅપમાં શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ અને ઋચા ઘોષ જેવા ખેલાડીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જ્યારે બોલિંગની જવાબદારી દીપ્તિ શર્મા અને રેણુકા સિંહ પર રહેશે.

નંદની શર્માને પહેલી વખત ટીમમાં સ્થાન મળ્યું છે. ચંડીગઢની 24 વર્ષની ઝડપી બોલર નંદનીએ વુમન્સ પ્રીમિયર લીગના પોતાના પ્રથમ જ સીઝનમાં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લીધી હતી. WPL 2026માં દિલ્હી કેપિટલ્સ માટે રમતી વખતે તેણે 17 વિકેટ ઝડપી હતી. ટીમમાં વિકેટકીપર-બેટર યાસ્તિકા ભાટિયા અને ઓલરાઉન્ડર રાધા યાદવની વાપસી થઈ છે, જ્યારે અનુષ્કા શર્મા, ઉમા છેત્રી અને કાશ્વી ગૌતમને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આ જ ટીમ વર્લ્ડ કપ પહેલાં થનારી ત્રણ મેચોની T20I સિરીઝમાં પણ રમશે.

આ ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમો ભાગ લેશે. ICC વુમન્સ T20 વર્લ્ડ કપ 2026નો પ્રારંભ 12 જૂનથી થશે અને ફાઈનલ મેચ 5 જુલાઈએ રમાશે. ટુર્નામેન્ટ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાશે, જેમાં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમને ગ્રુપ-Aમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ સાથે રાખવામાં આવી છે.

ICC વુમન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય મહિલા ટીમ
હરમનપ્રીત કૌર (કપ્તાન), સ્મૃતિ મંધાના (ઉપકપ્તાન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, શ્રેયંકા પાટીલ, ભારતી ફુલમાલી, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નંદની શર્મા અને રાધા યાદવ.