અમદાવાદ: ભારતની સ્પેસ ઇકોનોમીને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા તરફ ગુજરાતે વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત સરકારની ‘સ્પેસ ટેક પોલિસી (૨૦૨૫-૩૦)’ અંતર્ગત GIDC ખોરાજ ખાતે દેશના અગ્રણી સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર અને સ્પેસ સેક્ટરની નિયામક સંસ્થા IN-SPACe વચ્ચે મહત્વના કરાર થયા છે.
IN-SPACe Industry Connectની ૧૦મી આવૃત્તિના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની ઉપસ્થિતિમાં ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ જાહેરાત કરી હતી. GIDC ખોરાજ ખાતે વિકસાવવામાં આવનારા આ પાર્કમાં ઉચ્ચ સ્તરીય કોમન ટેકનિકલ ફેસિલિટીઝ (CTF) સ્થાપવામાં આવશે, જે નેશનલ સ્ટાન્ડર્ડ્સ મુજબ કામ કરશે. આ સુવિધાના સાધનો માટે IN-SPACe દ્વારા ₹૧૦૦ કરોડ સુધીનું નાણાકીય યોગદાન આપવામાં આવશે, જ્યારે બાકીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
સ્ટાર્ટઅપ્સ અને MSMEs માટે ગેમ-ચેન્જર સાબિત થશે
આ પાર્કનો મુખ્ય હેતુ સ્પેસ સેક્ટરમાં ઉભરતા સ્ટાર્ટઅપ્સ અને MSMEsને પ્રોત્સાહન આપવાનો છે. સામાન્ય રીતે જે હાઈ-ટેક ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરોડોનો ખર્ચ થાય છે, તે અહીં સહિયારા (Common) પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવાશે. આ પાર્કમાં ક્લાસ ૧૦૦,૦૦૦ ક્લીનરૂમ, થર્મો-વેક્યૂમ ચેમ્બર, ૧૨ ટન સુધીની વાઇબ્રેશન ટેસ્ટિંગ સિસ્ટમ, EMI/EMC ટેસ્ટિંગ અને અર્થ ઓબ્ઝર્વેશન ઓપ્ટિક્સ કેલિબ્રેશન જેવી અદ્યતન સુવિધાઓ મળશે. આનાથી કંપનીઓ પોતાના પ્રોડક્ટ્સનું પરીક્ષણ રાજ્યની અંદર જ ઝડપથી કરી શકશે.
૧૦૦ એકર સુધી વિસ્તરણનું આયોજન
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પી. ભારતી (IAS) અને GSEMના મિશન ડિરેક્ટર નેહા કુમારી (IAS)એ જણાવ્યું કે, આ પાર્ક એન્ડ-ટુ-એન્ડ સ્પેસક્રાફ્ટ, પેલોડ સિસ્ટમ્સ અને સ્પેસ એપ્લિકેશન્સની ડિઝાઇન પર કેન્દ્રિત રહેશે. હાલ સરકારે આ પ્રોજેક્ટ માટે ૫૦ એકર જમીન ફાળવી છે, જેને ભવિષ્યની જરૂરિયાતો મુજબ વધારીને ૧૦૦ એકર સુધી વિસ્તારી શકાશે.
અર્જુન મોઢવાડિયાએ રાજ્યના યુવાનોની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે આ પહેલથી ગુજરાતની સ્પેસ ઇકોનોમી નવી ઊંચાઈઓ સર કરશે.






