ટોક્યોઃ ભારતને અહીં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં જેમની તરફથી મેડલ-જીતની આશા હતી તે બોક્સર મેરી કોમનો આજે પરાજય થયો છે. 38 વર્ષીય મેરી મહિલાઓની ફ્લાયવેઈટ (48-51 કિ.ગ્રા.) કેટેગરીના પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં કોલંબિયાની બોક્સર ઈન્ગ્રિટ વેલેન્શિયા સામે હારી ગયાં છે. છ વખત વિશ્વ ચેમ્પિયન બનેલાં મેરી કોમનો સ્પ્લિટ 3:2 નિર્ણયથી પરાજય થયો છે. ઈન્ગ્રિટે પહેલો રાઉન્ડ 4-1થી જીત્યો હતો. બીજા અને ત્રીજા રાઉન્ડમાં મેરીએ જોરદાર વળતી લડત આપી હતી, પરંતુ સ્કોરને પોતાની તરફેણમાં લાવી શક્યાં નહોતાં.
2012ની લંડન ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીતનાર મેરી કોમની કારકિર્દીનો આ આખરી ઓલિમ્પિક મુકાબલો હશે. આજના પરાજય બાદ એમની આંખોમાં આંસુ આવી ગયા હતા. જોકે સ્મિત સાથે એમણે પરાજયને સ્વીકારી લીધો હતો. તીવ્ર અને રોમાંચક મુકાબલા બાદ તેઓ થાકી ગયેલાં દેખાયાં હતાં. મણિપુરનિવાસી મેરીએ 2019ની વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઈનલમાં વેલેન્શિયાને હરાવી હતી. મેરી કોમની જેમ 32 વર્ષનાં વેલેન્શિયા પણ એમનાં દેશનાં અગ્રણી-પીઢ મહિલા બોક્સર છે.