ભારતનો એક મેડલ પાકોઃ બોક્સર લવલીના તરફથી

ટોક્યોઃ ભારત માટે આનંદના સમાચાર છે. ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં દેશને એક વધુ મેડલ મળવાનું નિશ્ચિત થયું છે. આ મેડલ અપાવશે મહિલા બોક્સર લવલીના બોર્ગોહેન 69 કિ.ગ્રા. વર્ગની સેમી ફાઈનલમાં પહોંચી છે. આમ, તેનો કમસે કમ કાંસ્યચંદ્રક પાકો થઈ ગયો છે. વર્તમાન ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને અત્યાર સુધી એક મેડલ મળ્યો છે. મણિપુરની મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીતીને ભારત માટે ઈતિહાસ સર્જ્યો છે.

આજે ક્વાર્ટર ફાઈનલ જંગમાં તેણે તાઈપેઈની બોક્સર નીન-ચિન ચેનને 4-1 સ્કોરથી હરાવી છે. આસામનિવાસી લવલીનાએ ગજબનું કમબેક કર્યું છે. એને કોરોના બીમારી થઈ હતી. લગભગ એક વર્ષ સુધી એ બોક્સિંગ રિંગથી દૂર રહી હતી. એમાંથી સાજી થયાં બાદ એણે ઓલિમ્પિક્સ માટેની તૈયારી પૂરા જોશ સાથે શરૂ કરી દીધી હતી.

તીરંદાજ દીપિકાકુમારી ક્વાર્ટર ફાઈનલમાં

વિશ્વની નંબર-1 મહિલા તીરંદાજ દીપિકાકુમારીએ ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં ભારતને મેડલ અપાવવાનો પોતાનો પડકાર જીવંત રાખ્યો છે. ગેમ્સના આજે આઠમા દિવસે તેણે રશિયાની કેનિયા પેરોવાને રોમાંચક મુકાબલામાં હરાવીને વ્યક્તિગત ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ સિદ્ધિ હાંસલ કરનાર ઝારખંડનિવાસી દીપિકાકુમારી પહેલી ભારતીય ધનુર્ધારી બની છે. ત્રણ વખત ઓલિમ્પિકમાં ભાગ લેનાર દીપિકા 2017ની વર્લ્ડ ચેમ્પિયન પેરોવાને એમની વચ્ચેના ત્રણ મુકાબલામાં આ પહેલી વાર હરાવી છે.

દીપિકાકુમારીએ રશિયાની ખેલાડીને 6-5 સ્કોરથી હરાવી હતી. હવે ક્વાર્ટર ફાઈનલમાં એનો મુકાબલો દક્ષિણ કોરિયાની આર્ચર સાન આન સામે છે. દીપિકા માટે આ મુકાબલો ફાઈનલ જેવો છે. દક્ષિણ કોરિયાની તીરંદાજે તેના એલિમિનેશન રાઉન્ડમાં જાપાનની આર્ચરને હરાવી હતી.