ટોક્યો-ઓલિમ્પિક્સ હોકીઃ આર્જેન્ટિનાને 3-1થી હરાવી ભારત QFમાં

ટોક્યોઃ ભારતના પુરુષોની હોકી ટીમે જોરદાર દેખાવ કરીને અહીં રમાતા ઓલિમ્પિક રમતોત્સવમાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. મનપ્રીતસિંહની આગેવાની હેઠળની ટીમે આજે તેના ગ્રુપની મેચમાં આર્જેન્ટિનાને 3-1થી પરાજય આપ્યો છે. આર્જેન્ટિના ગઈ વેળાની – 2016ની રિયો ઓલિમ્પિક્સનું ચેમ્પિયન છે. પહેલા બે ક્વાર્ટર ગોલવિહોણા રહ્યા બાદ ભારતે મડાગાંઠ તોડી હતી. 43મી મિનિટે વરુણ કુમારે ટીમનો પહેલો ગોલ કર્યો હતો. 58મી મિનિટે વિવેક સાગર પ્રસાદે અને 59મી મિનિટે હરમનપ્રીતસિંહે ગોલ કર્યો હતો. આર્જેન્ટિનાનો એકમાત્ર ગોલ મેચની 48મી મિનિટે સૂથ કસેલે પેનલ્ટી કોર્નર મારફત કર્યો હતો.

આ જીત સાથે ભારત પોતાના ગ્રુપ-Aમાં બીજા સ્થાને મજબૂત બની રહ્યું છે. ભારતીય ટીમ અત્યાર સુધીમાં ચાર મેચમાંથી 3માં જીત અને એકમાં હાર મેળવી ચૂકી છે. પહેલા સ્થાને ઓસ્ટ્રેલિયા છે. છ-ટીમના ગ્રુપમાં આર્જેન્ટિના પાંચમા સ્થાને છે. દરેક ગ્રુપની ટોચની ચાર-ચાર ટીમ ક્વાર્ટર ફાઈનલમાં રમશે. છેલ્લી ગ્રુપ મેચમાં ભારતનો મુકાબલો આવતી કાલે યજમાન જાપાન સામે થવાનો છે.

સિંધુ મહિલા બેડમિન્ટન સિંગલ્સ ક્વાર્ટર ફાઈનલમાં

બેડમિન્ટન રમતમાં, પી.વી. સિંધુ આજે ડેન્માર્કની મિયા બ્લિચફેલ્ટને 21-15, 21-13 સ્કોરથી હરાવીને મહિલાઓની સિંગલ્સની  ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. રિયો ઓલિમ્પિક્સની રજત ચંદ્રકવિજેતા અને વર્લ્ડ ચેમ્પિયન સિંધુએ આજે આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું અને મિયાને હરાવવામાં 41 મિનિટનો સમય લીધો હતો. મિયા ગયા જાન્યુઆરીમાં થાઈલેન્ડ ઓપનમાં સિંધુને હરાવી હતી.