અબુધાબીઃ આઈપીએલ-2020માં ગઈ કાલની લીગ મેચમાં ટેબલ-ટોપર મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સે કડવી હાર આપી. રાજસ્થાન ટીમની જીતનો હિરો બન્યો હતો બેન સ્ટોક્સ. ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરે ફાંકડી સદી ફટકારી હતી અને 107 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એના 60 બોલના દાવમાં 3 છગ્ગા, 14 ચોગ્ગા સામેલ હતા. એણે અને વિકેટકીપર સંજુ સેમસન (54 નોટઆઉટ)એ ત્રીજી વિકેટ માટે 152 રનની અતૂટ ભાગીદારી કરીને રાજસ્થાન ટીમને જીત અપાવી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે તેના દાવમાં 20 ઓવરમાં પાંચ વિકેટે 195 રન કર્યા હતા. સ્ટોક્સ અને સેમસને 196 રનના ટાર્ગેટને મામુલી બનાવી દીધો હતો અને બે ઓવર ફેંકાવાની બાકી રાખીને એમની ટીમને 8-વિકેટે વિજય અપાવ્યો હતો. સેમસને તેના 31 બોલના દાવમાં 3 સિક્સ અને 4 બાઉન્ડરી ફટકારી હતી.
આઈપીએલ સ્પર્ધામાં સ્ટોક્સની આ બીજી સદી છે. ટ્વેન્ટી-20 ક્રિકેટમાં આ તેનો હાઈએસ્ટ સ્કોર બન્યો છે.
11 મેચમાંથી 7 જીતીને 14-પોઈન્ટ સાથે મુંબઈ ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. ત્યારબાદ દિલ્હી કેપિટલ્સ (14) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (14) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (12) આવે છે. 14-મેચોના લીગ તબક્કાને અંતે જે ટોચની 4 ટીમ હશે એ પ્લે-ઓફ્ફમાં રમશે.
રાજસ્થાન રોયલ્સ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે. કિંગ્સ ઈલેવન પંજાબ પાંચમા, સનરાઈઝર્સ હૈદરાબાદ 7મા અને ચેન્નાઈ સુપર કિંગ્સ તળિયાના – 8મા નંબરે રહી ગઈ છે.
સ્ટોક્સની સદીને કારણે મુંબઈના હાર્દિક પંડ્યાની આક્રમક હાફ સેન્ચુરી ઝાંખી પડી ગઈ હતી.
મુંબઈના દાવમાં, હાર્દિક પંડ્યાના 60 નોટઆઉટ રન મુખ્ય વિશેષતા બન્યા હતા. એણે માત્ર 21 બોલમાં જ આ રન ફટકાર્યા હતા. 6ઠ્ઠા ક્રમે રમવા ઉતરેલા પંડ્યાએ 7 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર ઈશાન કિશને 37, સૂર્યકુમાર યાદવે 40, સૌરભ તિવારીએ 34 રન કર્યા હતા. કેપ્ટન પોલાર્ડ 6 રન કરી શક્યો હતો.
આઈપીએલમાં, પંડ્યા અને સ્ટોક્સ બહુ મોડેથી ફોર્મમાં આવ્યા છે. સ્ટોક્સ તેના કેન્સરગ્રસ્ત પિતાને મળવા ન્યૂઝીલેન્ડ ઘેર ગયો હતો અને ત્યાંથી યૂએઈ પહોંચ્યો ત્યારે આઈપીએલ-2020 સ્પર્ધા શરૂ થઈ ચૂકી હતી. એને ક્વોરન્ટાઈનમાં રહેવું પડ્યું હતું. ‘પ્લેયર ઓફ ધ મેચ’ સ્ટોક્સે ગઈ કાલે કહ્યું કે મારું આ ફોર્મ બે-ત્રણ મેચ પહેલા આવ્યું હોત તો મારી ટીમની હાલત અત્યાર કરતાં સારી હોત.
