રોહિત શર્માની ઈજા વિશે પારદર્શકતા જરૂરીઃ ગાવસકર

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયા ખાતેના આગામી પ્રવાસમાં ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમનાર ભારતીય ક્રિકેટ ટીમોની જાહેરાત કરી દીધી છે. પરંતુ બધાયના આશ્ચર્ય વચ્ચે આ ત્રણેય ટીમમાં – ટેસ્ટ, ODI અને T20I ટીમમાંથી રોહિત શર્માનું નામ ગાયબ છે.

ભારતીય ટીમ આવતા મહિને જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે.

ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાની 13મી મોસમમાં રમવા યૂએઈ ગયો છે. એ મુંબઈ ઈન્ડિયન્સ ટીમો કેપ્ટન છે, પરંતુ એની સાથળનો સ્નાયૂ ખેંચાઈ ગયો હોવાથી એ મુંબઈ ટીમની છેલ્લી બે મેચમાં રમ્યો નહોતો. તેની આ ઈજાને કારણે એને આખા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બાકાત કરી દેવામાં આવ્યો છે.

ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટેની ભારતીય ટીમમાં રોહિતનો સમાવેશ કરવાનો નિર્ણય લેતા પહેલાં એની ઈજા પર ઝીણવટભરી નજર રાખવામાં આવશે.

ઈજાની વાતો બહાર આવી છે તે છતાં રોહિત શર્મા નેટ્સમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે તેના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર એ તસવીરો શેર કરી છે. એ જોયા પછી ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

રોહિત શર્મા હવે આઈપીએલ-2020માં બાકીની મેચોમાં રમી નહીં શકે એવી અફવાઓ ઈન્ટરનેટ પર વાઈરલ થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સ ટીમે નેટ્સમાં બેટિંગ કરતા રોહિતની તસવીરો ટ્વિટર પર શેર કરી હતી.

હવે એ તસવીરોના આધારે ગાવસકરે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે રોહિત શર્માની ઈજા અંગે પારદર્શકતા હોવી જોઈએ.

ભારતીય ક્રિકેટપ્રેમીઓને રોહિતની ઈજા વિશે વધારે જાણવાનો અધિકાર છે.

રોહિત શર્માની જગ્યાએ વન-ડે ઈન્ટરનેશનલ તથા ટ્વેન્ટી-20 ટીમોના વાઈસ-કેપ્ટન તરીકે કે.એલ. રાહુલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર ગાવસકરે કહ્યું હતું કે, મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિતને નેટ્સમાં પ્રેક્ટિસ કરતો બતાવવામાં આવ્યો છે. એટલે મને સમજાતું નથી કે એને શું ઈજા થઈ છે. જો એની ઈજા એટલી ગંભીર હોય તો એ પેડ પણ બાંધે નહીં. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં 17 ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ કરવાની છે.

જો એ મુંબઈ ઈન્ડિયન્સ માટે નેટ્સમાં પ્રેક્ટિસ કરી શકે છે તો, સાચું કહુંને મને સમજાતું નથી કે એની ઈજા કેવા પ્રકારની છે. આ બાબતમાં થોડીક પારદર્શકતા રાખવી જોઈએ. એને શું તકલીફ છે એની ખરેખર જાહેરાત કરવી જોઈએ, જેથી દરેકને મદદરૂપ થાય. ભારતના ક્રિકેટપ્રેમીઓ આ વિશે વધારે જાણવાના હકદાર છે.

ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી રોહિત શર્મા ઉપરાંત ઈશાંત શર્માને પણ બાકાત રાખ્યો છે. ફાસ્ટ બોલર ઈશાંત પણ ઈન્જર્ડ છે.

બીસીસીઆઈ તરફથી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બીસીસીઆઈની મેડિકલ ટીમ રોહિત અને ઈશાંતની પ્રગતિ પર સતત નિરીક્ષણ રાખતા રહેશે.

ભારતની ત્રણેય ફોર્મેટની ટીમો નીચે મુજબ છેઃ

ટેસ્ટ ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પૂજારા, કે.એલ. રાહુલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિશંકર અશ્વિન, મોહમ્મદ સિરાજ.

ODI ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, કે.એલ. રાહુલ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શ્રેયસ ઐયર, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર

ટ્વેન્ટી-20 ટીમઃ વિરાટ કોહલી, શિખર ધવન, મયંક અગ્રવાલ, કે.એલ. રાહુલ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચાહર, વરુણ ચક્રવર્તી.

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ