ભારત સામે ODI, T20I સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

બ્રિસ્બેનઃ ભારતીય ક્રિકેટ ટીમ સામેની આગામી વન-ડે ઈન્ટરનેશનલ્સ તથા ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમોની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના ઘરેલુ ક્રિકેટમાં, ખાસ કરીને શેફિલ્ડ શિલ્ડ ટુર્નામેન્ટમાં ઉત્તમ દેખાવ કરનાર બેટ્સમેન કેમરન ગ્રીનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ટીમના 21-વર્ષના ગ્રીને શેફિલ્ડ શિલ્ડ ટુર્નામેન્ટની બે મેચમાં અનુક્રમે 158 અને 197 રનના ખેલેલા દાવને કારણે ઓસ્ટ્રેલિયાના પસંદગીકારો એને ટીમમાં સામેલ કરવા આગ્રહી બન્યા.

વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ આવતી 27 નવેમ્બરથી શરૂ થશે. આઈપીએલ-2020 સ્પર્ધા પૂરી થયા બાદ તરત જ ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે.

કેમરન ગ્રીન ઉપરાંત મોઈઝીસ હેન્રિક્સ ત્રણ વર્ષે ટીમમાં પાછો ફર્યો છે. મિચેલ માર્શ આઈપીએલ-2020માં સનરાઈઝર્સ હૈદરાબાદ વતી રમતાં ઈજાગ્રસ્ત થયો હોવાથી એની જગ્યાએ પસંદગીકારોએ હેન્રિક્સને ટીમમાં સામેલ કર્યો છે. હેન્રિક્સને ઘૂંટીની સર્જરી કરાવવી પડી હતી એટલે તે લાંબા સમયથી ક્રિકેટ મેદાનથી દૂર રહ્યો હતો. હેન્રિક્સ છેલ્લે 2017માં ઓસ્ટ્રેલિયા વતી (ઈંગ્લેન્ડ સામે) વન-ડે મેચમાં રમ્યો હતો. એની છેલ્લી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ ગુવાહાટીમાં હતી.

ગ્રીન અને હેન્રિક્સ ઉપરાંત આઈપીએલ-2020માં દિલ્હી કેપિટલ્સ વતી રમતા ડેનિયલ સેમ્સનો પણ 18-સભ્યોની ટીમમાં સમાવેશ કરાયો છે. એણે ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ સ્પર્ધામાં પણ નોંધનીય દેખાવ કર્યો હતો.

ટીમમાં જેય રિચર્ડસનને સામેલ કરાયો નથી, જેણે ભારતીય ટીમ ગયે વખતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવી હતી ત્યારે વિરાટ કોહલીને ત્રણેય મેચમાં આઉટ કર્યો હતો.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં પહેલાં 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમશે.

આ મેચો 27 નવેમ્બર, 29 નવેમ્બર અને 2 ડિસેમ્બરે અનુક્રમે સિડની, સિડની અને કેનબેરામાં રમાશે.

ત્યારબાદ બંને ટીમ વચ્ચે ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમાશે. આ મેચો 4, 6, 8 ડિસેમ્બરે અનુક્રમે કેનબેરા, સિડની, સિડનીમાં રમાશે.

આ બંને શ્રેણી પૂરી થયા બાદ બંને ટીમ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાશે. ચાર ટેસ્ટની શ્રેણીની પહેલી મેચ 17-ડિસેમ્બરથી એડીલેડમાં, બીજી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબર્નમાં, ત્રીજી મેચ 7 જાન્યુઆરીથી સિડનીમાં અને ચોથી તથા છેલ્લી ટેસ્ટ 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં રમાશે.

ODI અને T20I, બંને સિરીઝ માટેની ઓસ્ટ્રેલિયાની ટીમ આ મુજબ છેઃ

ODI ટીમઃ આરોન ફિન્ચ (કેપ્ટન), શોન એબટ, એશ્ટન એગર, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (વાઈસ કેપ્ટન), કેમરન ગ્રીન, જોશ હેઝલવુડ, મોઈઝીસ હેન્રિક્સ, માર્નસ લેબુસેન, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સેમ્સ, કેન રિચર્ડસન, સ્ટીવન સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]