ICCએ BCCIની વિનંતી ઠુકરાવીઃ પાકિસ્તાનનો બહિષ્કાર કરાવવાનો ભારતનો પ્રયાસ નિષ્ફળ

દુબઈ – ત્રાસવાદને પેદા કરતા દેશો સાથેના સંબંધો તોડી નાખવાની ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની વિનંતીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ નકારી કાઢી છે. એણે કહ્યું છે કે આ પ્રકારની બાબતોમાં આઈસીસી સંસ્થા કોઈ ભાગ ભજવતી નથી.

જમ્મુ-કશ્મીરના પુલવામા જિલ્લામાં ગયા મહિને 40 સીઆરપીએફ જવાનોનો ભોગ લેનાર ત્રાસવાદી હુમલાના સંદર્ભમાં બીસીસીઆઈએ ક્રિકેટનું વિશ્વ સ્તરે સંચાલન કરતી સંસ્થા આઈસીસીને એક પત્ર લખ્યો હતો અને એને વિનંતી કરી હતી ત્રાસવાદને જન્મ આપનાર અને ત્રાસવાદીઓને આશરો આપનાર સભ્ય દેશો સાથેના સંબંધ એ તોડી નાખે.

બીસીસીઆઈએ પોતાના પત્રમાં જોકે પાકિસ્તાનનું નામ લખ્યું નહોતું. જોકે ભારત અવારનવાર પાકિસ્તાન પર આરોપ મૂકતું આવ્યું છે કે એ ત્રાસવાદીઓને આશરો આપે છે.

આઈસીસી બોર્ડ મીટિંગમાં… ચેરમેન શશાંક મનોહર (વચ્ચે)

બીસીસીઆઈના એક અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે આઈસીસી કોઈ સભ્ય દેશો સાથેના સંબંધ તોડી નાખે એવું કંઈ બનવાની શક્યતા નથી. આઈસીસી ચેરમેને સ્પષ્ટતા કરી દીધી છે કે કોઈ દેશ સાથેના સંબંધ તોડી નાખવાનો નિર્ણય સરકાર સ્તરે લેવાતો હોય છે અને આઈસીસીમાં એવો કોઈ નિયમ નથી. બીસીસીઆઈને આ વાતની ખબર હતી, તે છતાં એણે એક ચાન્સ લીધો હતો.

ભારતની વિનંતીનો મુદ્દો ગઈ કાલે શનિવારે આઈસીસીની અત્રે મળેલી બોર્ડ બેઠકમાં ઉપસ્થિત થયો હતો, પણ એને ખાસ કોઈ સમય આપવામાં આવ્યો નહોતો. એ બેઠકનું ચેરમેનપદ શશાંક મનોહરે સંભાળ્યું હતું.

બોર્ડ બેઠકમાં, બીસીસીઆઈનું પ્રતિનિધિત્વ કાર્યવાહક સેક્રેટરી અમિતાભ ચૌધરીએ લીધું હતું.

બોર્ડના અધિકારીએ કહ્યું કે, આઈસીસીના ઘણા સભ્ય દેશો પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ ક્રિકેટ સ્પર્ધામાં રમે છે અને એમાંનો કોઈ દેશ ભારતની વિનંતીને ટેકો આપે નહીં. સલામતીનો મુદ્દો ચિંતાજનક ખરો અને એની પર પૂરતી ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આગામી ODI વર્લ્ડ કપ સ્પર્ધા ઈંગ્લેન્ડમાં રમાવાની છે અને ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 16 જૂને માન્ચેસ્ટરમાં રમાવાની છે. પુલવામા જિલ્લામાં સીઆરપીએફ જવાનોનાં કાફલા પર ત્રાસવાદી હુમલાને પગલે બંને દેશ વચ્ચેના સંબંધમાં તંગદિલી ઊભી થઈ છે.

પાકિસ્તાન સાથે ક્રિકેટ સંબંધ તોડી નાખવાની માગણી હરભજન સિંહ અને સૌરવ ગાંગુલી જેવા ક્રિકેટરોએ કરી હતી, પણ બીસીસીઆઈનું સંચાલન કરતી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સે કોઈ નિર્ણય જાહેર કર્યો નહોતો અને માત્ર એટલું કહ્યું કે એ સરકારના નિર્ણયનું સમર્થન કરશે.