હરિયાળી જગ્યાથી મનોવિકાર થવાનું જોખમ ઘટે છે!

જે બાળકો આસપાસ લીલોતરી હો એવા વાતાવરણમાં મોટાં થાય છે તેમને પછીના જીવનમાં વિવિધ માનસિક વિકાર (મેન્ટલ ડિસઑર્ડર) વિકસવાનું જોખમ ૫૫ ટકા ઓછું હોય છે તેમ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. આ અભ્યાસમાં ભવિષ્ય માટે હરિયાળા અને તંદુરસ્ત શહેરોની રચનાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. વિશ્વની હવે વધુ ને વધુ જનસંખ્યા શહેરોમાં રહેવા લાગી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ના અંદાજ મુજબ, વિશ્વની ૪૫ કરોડ જનસંખ્યા મનોવિકારથી પીડાય છે. ૧૯૮૫થી ૨૦૧૩ના ઉપગ્રહના આંકડાના આધારે, ડેન્માર્કની અર્હુસ યુનિવર્સિટીના સંશોધકોએ ૧૦ લાખ ડૅન્માર્કવાસીઓનાં બાળપણનાં ઘરો આસપાસ હરિયાળી જગ્યાની હાજરીનો નકશો તૈયાર કર્યો અને તેને બાદના જીવનમાં ૧૬ અલગ-અલગ મનોવિકાર પૈકી એક વિકસવાનું જોખમ થવાના આંકડા સાથે સરખાવ્યો.

પીએનએએસ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં દર્શાવ્યું છે કે બાળપણમાં બહુ માત્રામાં હરિયાળી જગ્યામાં બાળકો જો રહે તો મનોવિકાર વિકસવાનું જોખમ ૫૫ ટકા ઘટે છે. અર્હુસ યુનિવર્સિટીના ક્રિસ્ટિન ઍન્જમેન્ને કહ્યું હતું કે “અમારા આંકડા મુજબ, અમે દર્શાવ્યું કે જન્મથી દસ વર્ષ તમે જેટલો લાંબો સમય હરિયાળી જગ્યામાં રહો તેમ તેમ મનોવિકાર વિકસવાનું જોખમ વધુ ને વધુ ઘટે છે. બાળપણમાં તમારી આસપાસ લીલોતરી આથી જ ખૂબ જ જરૂરી છે.” સંશોધકોએ મનોવિકાર વિકસાવવાના અન્ય જાણીતા જોખમી પરિબળો વિશે પણ જોયું ત્યારે તેમને જાણવા મળ્યું કે લીલોતરી, શહેરી જીવન અને મનોવિકાર વચ્ચે ગાઢ સંબંધ છે.

એન્જમેન્ને કહ્યું હતું કે “અગાઉ વિચાર્યું હતું તે કરતાં કુદરતી વાતાવરણ માનસિક આરોગ્યની બાબતમાં મોટી ભૂમિકા ભજવે છે તે માટેના પુરાવા વધી રહ્યા છે. અમારો અભ્યાસ બહોળી જનસંખ્યામાં તેના મહત્ત્તવની વધુ સારી સમજ આપવા માટે મહત્ત્વનો છે.”

આ જાણકારી દીર્ઘકાલીન શહેરી વિકાસ માટે અગત્યની છે. આનું કારણ છે કે આજે વિશ્વની વધુ ને વધુ જનસંખ્યા શહેરોમાં રહેવા લાગી છે. અર્હુસ યુનિવર્સિટીના જેન્સ ક્રિશ્ચિયન સ્વેન્નિંગે કહ્યું હતું કે “માનસિક આરોગ્ય અને તમારા સ્થાનિક વિસ્તારમાં હરિયાળી જગ્યામાં તમારા જવા વચ્ચેના સંબંધને શહેરી વિકાસના આયોજનમાં વધુ વિચારવા જેવો છે જેનાથી શહેરો હરિયાળાં અને તંદુરસ્ત બને અને ભવિષ્યમાં શહેરના લોકોનું માનસિક આરોગ્ય સુધરે.”

માત્ર માનસિક આરોગ્યની બાબત જ નહીં, પરંતુ ખુશીની બાબત આવે ત્યારે પણ હરિયાળી જગ્યાનું મહત્ત્વ આવે છે. જર્નલ બીએમસી પબ્લિક હેલ્થમાં એક અભ્યાસમાં સંશોધકોને જણાયું કે હરિયાળી જગ્યામાં પણ જથ્થા કરતાં ગુણવત્તા મહત્ત્વનું છે. માત્ર શાકભાજીથી હકારાત્મક અનુભવ નથી થતો તેમ અભ્યાસના લેખક અને ઇંગ્લેન્ડના વૉરવિક યુનિવર્સિટીના પીએચ.ડી. ઉમેદવાર વિક્ટૉરિયા હૉલ્ડનનું કહેવું છે.

હૉલ્ડનના અભ્યાસમાં વસતી ગણતરીના એકમોનો ઉપયોગ કરાયો હતો જેનાથી એ માપી શકાય કે લોકોને કેટલી હરિયાળી જગ્યા મળે છે. લોકો પોતાના કાર્યાલય નજીક બગીચામાં વારંવાર મુલાકાત લેતા હોય છે અથવા આજુબાજુના વિસ્તારમાં રમવા માટે જતા હોય છે. હૉલ્ડનના મત મુજબ, “હરિયાળી જગ્યા અને માનસિક આરોગ્ય વચ્ચેનો સંબંધ જટિલ છે.”

બીજા એક અભ્યાસમાં નેધરલેન્ડમાં સંશોધકોના જૂથને જણાયું કે જે લોકો એમ માને છે કે તેમની હરિયાળી જગ્યાનો તેઓ ઉપયોગ કરી શકે છે તેઓ તેમના પડોશીઓથી વધુ ખુશ છે. આના માટે તેમની પાસે કેટલી હરિયાળી જગ્યા છે તે અગત્યનું નથી. આનો અર્થ એ થયો કે પડોશીઓથી તેઓ ખુશ રહે છે અર્થાત્ હરિયાળી જગ્યા સુખ સાથે જોડાયેલી છે. આ અગાઉના એક અભ્યાસમાં પણ જણાયું હતું કે જે લોકોને વધુ સારી ગુણવત્તાની હરિયાળી જગ્યા હતી તેમનું માનસિક આરોગ્ય સારું હતું.

પ્રશ્ન એ છે કે સારી ગુણવત્તાની હરિયાળી જગ્યાનો અર્થ શો થયો? બાવળને પણ તમે હરિયાળી જગ્યા કહી શકો, પરંતુ તમે જ કહો કે શું બાવળની હરિયાળી જોઈને તમને આનંદ આવશે? કેટલાંક સંશોધનોમાં હરિયાળી જગ્યાના ચોક્કસ પ્રકારની વાત બહાર આવી છે જેમાં પહોળાં પાંદડાંવાળાં વૃક્ષો, બગીચા જેમાં પાણીનો છંટકાવ હોય અને વિવિધ પ્રકારનાં વૃક્ષો-છોડ હોય. તેમાં સૌંદર્યનું પરિબળ પણ કામ કરે છે; જેમ કે તમે જે બગીચામાં જાવ ત્યાં જો ઘાસ કાપવામાં ન આવ્યું હોય તો તમને આનંદ નહીં આવે, પરંતુ ઘાસને કપાયું હોય, પાણી છંટકાયું હોય તો તમને આનંદ આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]