ચેન્નઈઃ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે અને છેલ્લીમાં 21 રને હાર્યા પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ હારનું ઠીકરું સામૂહિક નિષ્ફળતાને આપ્યું છે. રોહિત શર્માએ ટીમની બેટિંગને જવાબદાર ઠેરવી છે, જેથી ટીમે ત્રણ મેચોની શૃંખલા 1-2થી ગુમાવી છે. રોહિતે મેચ પછી કહ્યું હતું કે મને નથી લાગતું કે લક્ષ્ય બહુ મોટું હતું.વિકેટ બીજી ઇનિંગ્સમાં થોડી પડકારજનક હતી, પણ મને નથી લાગતું કે અમે સારી બેટિંગ કરી હતી. ભાગીદારી મહત્ત્વની હોય છે અને અમે એ બનાવવામાં અસફળ રહ્યા હતા.
તેણે કહ્યું હતું કે અમે જે રીતે આઉટ થયા છે, તે નિરાશાજનક રહ્યું હતું. અને આવી જ વિકેટ પર રમતા મોટા થયા છીએ. તેણે કહ્યું હતું કે મહત્ત્વનું એ હતું કે એક બેટ્સમેન અંત સુધી રમતો રહે, પણ અમે બધા સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમે જાન્યુઆરીથી નવ વનડે રમી હતી. અમે એમાંથી ઘણી સકારાત્મક બાબતો લઈ શકીએ છીએ. એ સંપૂર્ણ ટીમની હાર છે.
એડમ જમ્પાએ 45 રન આપીને ચાર વિકેટ લઈને સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. મને અહીં સફળતા મળી છે. અહીં રમવું મોટો પડકાર છે, એમ તેણે કહ્યું હતું. એશટન એગરે મેચનું પાસું પલટી કાઢ્યું હતું. મિચેલ માર્શને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યો હતો, જેણે ત્રણ મેચોમાં 194 રન બનાવ્યા હતા.