ઐયરનો પર્યાય કોણ? સૂર્યા સુપર-ફ્લોપ: ચાહકોની માગણી, સંજૂને ચાન્સ આપો

મુંબઈઃ ટીમ ઈન્ડિયાના ચાહકો બહુ દુઃખી થઈ ગયા છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મધ્યમ ક્રમનો બેટર શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત છે. ઐયરની ગેરહાજરીને કારણે બેટિંગમાં ટીમની મધ્ય હરોળમાં ભારે ગડબડ ઊભી થઈ છે. હાલમાં જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીમાં ભારતનો 1-2થી આંચકાજનક પરાજય થયો.

આ શ્રેણીમાં ઐયરની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો, પણ સૂર્યા ત્રણેય મેચમાં પહેલા જ બોલમાં આઉટ થયો હતો અને ભારત વતી વિક્રમ નોંધાવ્યો.

હવે ટીમ ઈન્ડિયા સામે ઐયરનો વિકલ્પ શોધવાનું કપરું બની ગયું છે. પીઠની પીડાને કારણે ઐયરની સર્જરી કરાવવી પડશે અને એને કારણે તે ત્રણ મહિના સુધી ક્રિકેટ રમી શકવાનો નથી. ભારતીય ટીમ આ જ વર્ષમાં વન-ડે મેચોની વર્લ્ડ કપ સ્પર્ધામાં રમવાની છે. આ પરિસ્થિતિમાં ઐયરના વિકલ્પ તરીકે લાવવામાં આવેલો સૂર્યકુમાર સુપર ફ્લોપ સાબિત થયો છે. હવે વિકેટકીપર-બેટર સંજૂ સેમસનને ઈલેવનમાં સામેલ કરવાની ભારતના ક્રિકેટપ્રેમીઓ તરફથી જોરદાર માગણી કરવામાં આવી છે. સોશિયલ મિડિયા પર યૂઝર્સ દ્વારા સંજૂના સમર્થનમાં હજારો પોસ્ટ અને મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે.