જામનગરઃ જમણા ઘૂંટણની ઈજા અને એને કારણે સર્જરી કરાવવી પડી હોવાથી ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આગામી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં રમી શકવાનો નથી. આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ વતી રમતા આ ખેલાડીના ઘૂંટણની ગયા અઠવાડિયે સર્જરી કરવામાં આવી હતી. હાલ એ તેના ઘેર સ્વસ્થતા પુનઃ પ્રાપ્ત કરી રહ્યો છે. તેની આ તકલીફને કારણે એ હાલમાં જ યૂએઈમાં રમાઈ ગયેલી એશિયા કપ સ્પર્ધામાં પણ રમી શક્યો નહોતો, જેમાં તેની ગેરહાજરી વર્તાઈ હતી અને ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી.
બે કાખઘોડીના સહારે ચાલતી પોતાની તસવીરને જાડેજાએ એના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. એણે લખ્યું છે કે એના ઘૂંટણની સર્જરી સફળ રહી હતી. હાલ તે એક-એક ડગલું ચાલી રહ્યો છે. પોતે ક્રિકેટના મેદાન પર ટૂંક સમયમાં જ પાછો ફરશે એવી આશા તેણે વ્યક્ત કરી છે. સ્વસ્થ થવા માટે શુભેચ્છા આપનાર પોતાના ચાહકો, તેમજ ટેકો આપનાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ, ટીમના સાથીઓ, સપોર્ટ સ્ટાફ, ફિઝિયોથેરાપિસ્ટ, ડોક્ટરોનો તેણે આભાર માન્યો છે.
(તસવીર સૌજન્યઃ @imjadeja)
