નવી દિલ્હીઃ ભારતે ઓલિમ્પિકની સફર 1900માં નોર્મન પ્રિચર્ડની સાથે શરૂ કરી હતી. ત્યારે દેશના પહેલા એથ્લીટે પુરુષોની 200 મીટર હર્ડલ્સમાં પહેલો મેડલ જીત્યો હતો. ત્યારથી ભારતે 25 ઓલિમ્પિક ગેમ્સમાં 40 મેડલ જીત્યા છે, જેમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સામેલ છે.
પાછલા ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ સાત મેડલ જીત્યા હતા અને આ વખતે પેરિસ ઓલિમ્પિક 2024માં એનાથી સારા દેખાવની આશાએ 117 ખેલાડીઓ મોકલવામાં આવ્યા હતા. જોકે ભારતના ખાતામાં અત્યાર સુધી છ મેડલ આવ્યા છે, જેમાં પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ છે. આ વખતે ગોલ્ડ મેડલ એક પણ નથી આવ્યો.સ્પોર્ટ્સ મંત્રાલય અનુસાર પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સ માટે ભારત સરકારે ભારતીય ખેલાડીઓના સારા પ્રદર્શન કરવા માટે રૂ. 470 કરોડ ખર્ચ કર્યા છે. આ પૈસા ખેલાડીઓની સારી ટ્રેનિંગ, ઇક્વિપમેન્ટ્સ અને અન્ય સુવિધાઓ આપવામાં મદદ કરે છે, જેથી તેઓ ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતી શકે.આ ફંડને અલગ-અલગ રમતો વચ્ચે વહેંચવામાં આવ્યા હતા.
ભારતે એથ્લેટિક્સમાં સૌથી વધુ રૂ. 96.08 કરોડનો ખર્ચ કર્યો છે. આ પૈસાથી 29 એથ્લીટોને તૈયાર કરવામાં આવ્યા હતા. પેરિસ ઓલિમ્પિકની તૈયારી માટે 36 નેશનલ કેમ્પ અને 85 વિદેશ પ્રવાસ કરાવવામાં આવ્યા હતા.
ભારત સરકારે બેડમિન્ટન માટે રૂ. 72.03 કરોડ ખર્ચ કર્યો છે, આ પૈસાથી સાત બેડમેન્ટન ખેલાડીઓને તૈયાર કરવામાં આવ્યા હતા. તેમણે 13 નેશનલ ને 81 વિદેશ પ્રવાસ કરાવ્યા હતા. આ સાથે સરકારે બોક્સિંગ માટે રૂ. 60.93 કરોડ, રાઇફલ રૂ. 60.42 કરોડ, હોકી રૂ. 41.3 કરોડ, તીરંદાજી રૂ. 39.18 કરોડ, કુશ્તી રૂ. 37.8 કરોડ અને વેઇટલિફ્ટિંગ રૂ. 27 કરોડ ખર્ચ્યા હતા.